હ્યુસ્ટનઃ અમેરિકામાં હાર્વે હરિકેનથી થયેલા નુકસાનનો આંકડો ૧૬૦ બિલિયન ડોલર સુધી પહોંચ્યો હોવાના રિપોર્ટ છે. કોઇ ચક્રવાતથી અમેરિકાને થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ નુકસાન છે. અલબત્ત, ક્યા ક્ષેત્રમાં કેટલું નુકસાન થયું છે એ તો જનજીવન થાળે પડ્યા બાદ જાણવા મળશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હરિકેન હાર્વેથી માલમિલકતને જે નુકસાન થયું છે તે સંભવત ૧૯૦૦ બાદ સૌથી વધુ છે. બીજી તરફ, આ કુદરતી આફતનો ભોગ બનેલાઓનો આંકડો વધીને ૩૮ થયો છે અને હજારો લોકો બેઘર થઇ ગયા છે.અમેરિકામાં આવેલી આ આફતના સમયમાં ભારતીય અમેરિકન હરિશ કાથરાણીની માલિકીની સાઉથસાઈડ ગ્રૂપ ઓફ કંપનીઝ દ્વારા ગંભીર બીમાર દર્દીઓ માટે બહુમૂલ્ય જીવનરક્ષક દવાઓનો જથ્થો ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલને મોકલાયો છે. આ કંપનીએ તેમના કોન્ટ્રાક્ટ હેઠળ ન હોય તેવી મેડિકેર પ્રોવાઈડર કંપનીને પણ હેલ્થકેર સર્વિસીસ પૂરી પાડવાની સ્વૈચ્છિક તૈયારી દર્શાવી છે. દરમિયાન, અમેરિકન એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (AAPI) તેમજ ઈન્ડિયા હાઉસ દ્વારા હાર્વી રીલિફ ફંડની સ્થાપના કરવામાં આવી છે.
હરિશ કાથરાણી ૧૯૭૨માં યુએસ આવ્યા હતા. તેમણે ૧૯૯૨માં સાઉથસાઈડની સ્થાપના કરી છે અને તે ૩૫થી વધુ રાજ્યોમાં સ્પેશિયાલિટી દવાઓ પૂરી પાડે છે. કાથરાણી અનેક ચેરિટી સંસ્થાઓને ઉદાર હાથે દાન આપે છે. ગ્રેટર હ્યુસ્ટનની ધ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જગદિપ અહલુવાલિયાએ આ તાતી જરૂરિયાતના સમયમાં તેમની સંસ્થાના એક સભ્યે માનવતાનો સાદ સાંભળ્યો હોવા બદલ ગર્વ દર્શાવ્યો હતો.