ભારતીય અમેરિકન કોંગ્રેસમેન અમી બેરાના પિતા બાબુલાલ બેરા જેલમાંથી મુક્ત

Wednesday 11th October 2017 09:40 EDT
 
 

વોશિંગ્ટનઃ કેલિફોર્નિયાના સેક્રેમેન્ટોના ભારતીય અમેરિકન કોંગ્રેસમેન અમી બેરાના ૮૪ વર્ષીય પિતા બાબુલાલ બેરાને ૨૮ સપ્ટેમ્બરે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પોતાના પુત્રના કોંગ્રેસનલ કેમ્પેઈનમાં ફંડ ઉભુ કરવા દાતાઓના દુરુપયોગથી કેમ્પેઈન ફાયનાન્સ કાયદાઓનો ભંગ કરવા બદલ બાબુલાલ બેરાને એક વર્ષની સજા થઈ હતી. તેમની સારી વર્તણૂકને ધ્યાને લઈ તેમને ૧૦ મહિના પછી જ છોડી દેવાયા હતા. બાબુલાલ બેરાએ મે ૨૦૧૬માં ફેડરલ કેમ્પેઈન ફાઈનાન્સ કાયદાઓના ભંગ કર્યાની કબૂલાત કરી હતી. તેમને ગત વર્ષના ઓગસ્ટમાં જેલની સજા ફરમાવાઈ હતી. યુએસ એટર્ની ઓફિસે કાંતા બેરા સામે
કોઈ આરોપ લગાવ્યા ન હતા કે આ ફ્રોડમાં કોંગ્રેસમેન અમી બેરાની શક્ય સંડોવણીની તપાસ પડતી મૂકી હતી.
બાબુલાલ બેરાને કેલિફોર્મિયાના સાન પેડ્રોમાં FCI ટર્મિનલ આઈલેન્ડની લો-સિક્યુરિટી જેલમાં રખાયા હતા. તેમને ૨૯ જુલાઈએ હાફવે હાઉસમાં ખસેડાયા હતા અને તે પછી મુક્ત કરાયા હોવાનું લોસ એન્જલસ ટાઈમ્સે જણાવ્યું હતું. કમરની બીમારી, નિષ્ફળ સર્જરીઓ, ન્યૂરોપથી, પ્રોસ્ટેટ કેન્સર અને વારંવાર પડી જવાનો ઈતિહાસ ધરાવતા વયોવૃદ્ધ બેરાએ હવે ત્રણ વર્ષનું પ્રોબેશન ગાળવા સાથે ૧૦૦,૦૦૦ ડોલરનો દંડ પણ ભરવો પડશે.
કોંગ્રેસમેન બેરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,‘મારા પરિવાર અને મારા માટે આ વર્ષ મુશ્કેલ રહ્યું હતું. હવે તેમને ઘરમાં જોઈને અમને આનંદ થશે.મારા પેરન્ટ્સનો વિચાર કરી તેમના માટે પ્રાર્થના કરનારા સેંકડો લોકોના જેની અને હું આભારી છીએ.’ કોર્ટના દસ્તાવેજો અનુસાર બાબુલાલ બેરાએ કથિતપણે ૨૦૧૦ અને ૨૦૧૨માં તેમના પુત્રની કોંગ્રેસનલ ચૂંટણીમાં આશરે ૩૦૦,૦૦૦ ડોલર રોક્યા હતા. બાબુલાલ બેરા અને તેમના પત્ની કાંતાએ દરેક ઈલેક્શન સાયકલમાં ૨૪૦૦ ડોલરનો મહત્તમ કરવાપાત્ર ફાળો આપ્યો હતો. તેમણે પોતાના પરિવારજનો અને મિત્રોને પણ કાનૂની મર્યાદામાં ફાળો આપવા અને આ રકમ તેઓ પરત ચૂકવી દેશે તેમ જણાવ્યું હતું. આ પદ્ધતિ સ્ટ્રો ડોનર્સ નામે ઓળખાય છે.
તપાસમાં જણાયું હતું કે આશરે ૯૦ લોકોએ ૧૩૦થી વધુ અયોગ્ય કેમ્પેઈન ફાળો આપ્યો હતો. પ્રોસીક્યુટર્સના જણાવ્યા અનુસાર બાબુલાલ બેરાને તેઓ શું કરતા હતા તેની બરાબર જાણ હતી અને તેઓ અલગ અલગ પાંચ બેન્કખાતામાંથી રીફંડ ચેક ઈસ્યુ કરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter