લોસ એન્જલસઃ તમિલ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં અને ચેન્નાઈમાં ઉછરેલાં ભારતીય-અમેરિકન ગાયિકા તથા ઉદ્યોગસાહસિક ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડનને ‘ત્રિવેણી આલ્બમ’ માટે ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરાયાં છે. લોસ એન્જલસના ક્રિપ્ટો ડોટકોમ એરેના ખાતે રવિવારે સાંજે ઝાકઝમાળભર્યો 67મો ગ્રેમી એવોર્ડ સમારોહ યોજાયો હતો. ચંદ્રિકા ટંડન પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીના મોટાં બહેન અને આઇઆઇએમ અમદાવાદમાં પ્રવેશ મેળવનારી માત્ર આઠ મહિલામાંના એક છે. એવોર્ડ જીત્યા બાદ ખુશખુશાલ ચંદ્રિકા ટંડને જણાવ્યું હતું કે ‘ગ્રેમી જીતવો એ ખરેખર સન્માનની વાત દે છે, આ પળ યાદગાર છે. સંગીત પ્રેમ છે. સંગીત આપણા આત્માની રોશની છે. આપણા અંધકારભર્યા દિવસોમાં પણ ખુશી અને હાસ્ય રેલાવે છે.
ગંગા-યમુના-સરસ્વતીથી પ્રેરિત
‘ત્રિવેણી આલ્બમ’નું નામ ભારતની ત્રણ પવિત્ર નદીઓ ગંગા-યમુના-સરસ્વતી નદીના સંગમથી પ્રેરિત છે. આલ્બમમાં પ્રાચીન વૈદિક મંત્રોને ખાસ ધૂન સાથે રજૂ કરાયા છે. ચંદ્રિકાએ બેસ્ટ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો.
હિન્દુસ્તાની, કર્ણાટકી અને પશ્ચિમ સંગીત પરંપરામાં તાલીમ મેળવનારાં સંગીતકાર અને ગાયિકા ચંદ્રિકા ટંડને તેમનું પહેલું આલ્બમ ‘સોલ કોલ’ 2009માં રિલિઝ કર્યું હતું. જેને 2011માં કન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક કેટેગરીમાં ગ્રેમી નોમિનેશન મળ્યું હતું.
ઈન્દ્રા નૂયીનાં મોટા બહેન છે ચંદ્રિકા
ચંદ્રિકાના પિતા બેન્કર અને માતા સંગીતકાર હતા. ચંદ્રિકા પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીનાં મોટાં બહેન છે અને લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલાં છે. માત્ર 24 વર્ષની ઉંમરે ન્યૂ યોર્કની મેકેન્ઝી એન્ડ કંપની તરફથી ઓફર મળી હતી. ત્યારબાદ ટંડન કેપિટલ એસો.ની રચના કરી. તેઓ વૈશ્વિક બિઝનેસ લીડર છે.
પણ ઝાકીર હુસૈન વિસરાયા
બીજી તરફ ‘ઈન મેમોરિયમ’ સેક્શનમાં ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને ગયા વર્ષે જ ગ્રેમી એવોર્ડ જીતનાર ઉસ્તાદ ઝાકિર હુસૈનને વિસારે પાડવામાં આવ્યા હતા. 73 વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેનારાં ઝાકિર હુસૈનનો સમગ્ર સમારોહમાં ઉલ્લેખ સુદ્ધાં કરાયો નહોતો.
ગ્રેમી સમારોહમાં સ્મરણાંજલિ મોન્ટાજમાં ઝાકિર હુસૈનનો કોઈ ઉલ્લેખ નહોતો ૫ણ રેકોર્ડિંગ એકેડમીની સત્તાવાર વેબસાઈટ પર ઈન મેમોરિયમ વિભાગમાં ઝાકિર હુસૈનની સાથે સાથે ગઝલગાયક પંકજ ઉધાસ, લોકસંગીત ગાયિકા શારદા સિંહા અને સરોદવાદક આશિષ ખાનનો ઉલ્લેખ જોવા મળતો હતો. દર વર્ષે ગ્રેમી સમારોહમાં પાછલા વર્ષે અવસાન પામેલાં કલાકારોને અંજલિ અપાય છે. ઝાકિર હુસૈને ગયા વર્ષે ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા હતા.