કેન્સાસઃ અમેરિકાના કેન્સાસમાં માનસિક રોગની એક ક્લિનિક પાસે ૫૭ વર્ષના એક ભારતીય અમેરિકન ડોકટર અચ્યુત રેડ્ડીનો પીછો કરીને એના જ ૨૧ વર્ષીય દર્દી ભારતીય અમેરિકન ઉમર રશીદ દત્તે મારી નાંખ્યા હતા. છરીના ઘાથી લોહી નીંગળતો તબીબનો મૃતદેહ ક્લિનિક પાસેથી ૨૦મી સપ્ટેમ્બરે મળી આવ્યો હતો. મૂળ તેલંગાણાના ડો. રેડ્ડીના હત્યારા ઉમર રશીદ દત્તની ધરપકડ કરી લેવાઈ હતી અને તેની સામે કેસ ચલાવાયો છે. વિચિતા હોસ્પિટલમાં હોમીસાઇડ વિભાગના પોલીસ વડા ટોડ ઓજિલીએ રેડ્ડીને મૃત જાહેર કર્યાં હતા. પોલીસને આશરે ૭-૨૦ મિનિટે ફોન આવ્યો હતો કે લોહી વાળા કપડાં પહેરેલો એક માણસ કારમાં શંકાસ્પદ હાલતમાં બેઠો છે. એક સુરક્ષાકર્મીએ પોલીસને આ જાણ કરતાં એક કલબ પાસેથી ઉમરને પકડી લેવાયો હતો. પૂછપરછ દરમિયાન, જાણવા મળ્યું હતું કે, ૨૧ વર્ષનો યુવાન દર્દી ડોકટર રેડ્ડીનો જ પેશન્ટ હતો. તે તેમની ઓફિસમાં પણ ગયો હતો અને ઓફિસમાંથી નીકળી બેઝનેસના કામે ગયો હતો એ પછી પાછો ઓફિસમાં આવ્યો હતો. એ ઓફિસમાં હતો ત્યારે ડોક્ટરની ઓફિસની બહાર ખૂબ ઘોંઘાટ સંભળાયો હતો. બંને વચ્ચે ભારે ઝપાઝપી બાદ ડોક્ટરની હત્યા થઈ હોવાનું અનુમાન છે.