ન્યૂ યોર્કઃ ભારતીય અમેરિકન મહિલા CEOને ભારતમાંથી બોલાવી ઘરેલુ કામ માટે રાખવામાં આવેલી નોકરાણીને ૧.૩૫ લાખ ડોલર આપવા હુકમ કરવામાં આવ્યો હતો. અમેરિકાના શ્રમ વિભાગને જાણવા મળ્યું હતું કે નોકરાણીને ઓછો પગાર આપવામાં આવતો અને તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવતો હતો. રોઝ ઇન્ટરનેશનલ અને આઇટી સ્ટાફિંગના CEO હિમાંશુ ભાટીયાને હવે તેમના ઘરે કામ કરનારી મહિલાને પાછલો પગાર અને કરાર કરતાં ઓછો પગાર ચૂકવવા બદલ જંગી રકમ ચૂકવવી પડશે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયા માટેની યુએસ ડિસ્ટ્રિકટ કોર્ટે બન્ને પક્ષો વચ્ચે કરેલા કરારને અન્વયે આ હુકમ કર્યો હતો. શ્રમ વિભાગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, શીલા નિંગવાલ જ્યારે માંદી પડતી ત્યારે તેને ગેરેજમાં ધકેલી દેવાતી અને ચટાઇ પર સુવાની ફરજ પાડવામાં આવતી હતી. ભાટીયાના કૂતરા નરમ ગાદી વાળી પથારી પર સુતા હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે, હિમાંશુએ નોકરાણી શીલાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, શીલા સાથે મહિને ૪૦૦ ડોલર અને હિમાંશુ ભાટીયાના લાસ વેગાસ, મયામીના સાન જુઆન કેપિસ્ટ્રટ અને અન્ય જગ્યાના ઘરમાં રહેવા-જમવાનો કરાર કરાયો હતો, પરંતુ એને પગાર ખૂબ ઓછો અપાતો અને અવારનવાર એની સાથે ખરાબ વર્તન થતું હતું. ૧૧ એપ્રિલે આપેલા ચુકાદા મુજબ, ગયા વર્ષે ઓગસ્ટમાં શ્રમ વિભાગને ફરિયાદ મળી હતી. ભાટીયા ઇરાદાપૂર્વક અને વારંવાર લઘુત્તમ પગારના કરારનો જુલાઇ ૨૦૧૨થી ડિસેમ્બર ૨૦૧૪ સુધી ભંગ કરતી હતી.