ફ્લોરિડાઃ અમેરિકાના ઓરેગન રાજ્યમાં રહેતી ભારતીય મળની ૧૩ વર્ષની વિદ્યાર્થિની અનુષ્કા નાઇકનવરેએ એક એવી બેન્ડેજની શોધ કરી છે જે પોતે જ બતાવશે કે, ઘા રુઝાયો છે કે નહીં. તેની સાથે સાથે બેન્ડેજ એ પણ જણાવશે કે તેને બદલવાનો સમય થઈ ગયો છે કે નહીં. બેન્ડેજની ખાસ વાત એ છે કે તે ઘામાં રહેલા ભેજને આધારે ડોક્ટરોને એલર્ટ કરશે.
એક ટોચની ન્યુઝ વેબસાઈટ અનુસાર અનુષ્કાનું કહેવું છે કે, આ બેન્ડેજ બનાવવાનો આઇડિયા તેને ક્લાસરૂમમાં જ આવ્યો હતો. અમેરિકાના તબીબોએ આ બેન્ડેજને મેડિકલ જગત માટે ઘણી મહત્ત્વની ગણાવી છે. આ સંશોધન માટે ગૂગલે પણ અનુષ્કાને ૧૦ લાખ રૂપિયાની સ્કોલરશિપ આપી છે. આ બેન્ડેજની મદદથી ઘા યોગ્ય રીતે સારો થઈ શકે જ છે અને દુઃખાવામાંથી છુટકારો મેળવવામાં પણ આ બેન્ડેજ મદદરૂપ સાબિત થશે. એટલું જ નહીં આ બેન્ડેજ અન્ય બેન્ડેજની જેમ ચેપ રોકવામાં પણ મદદ કરશે.
વૈશ્વિક પુરસ્કાર
ભારતીય મૂળની અમેરિકામાં રહેતી અનુષ્કા નાઈકનવરે વૈશ્વિક ઇનામ મેળવાનારી વિશ્વની સૌથી યુવા વ્યક્તિ છે. તેણે ગુગલ દ્વારા ચલાવાતી સાયન્સ કોન્ટેસ્ટમાં ટોચના આઠમાં સ્થાન મેળવ્યું છે. ઇનામ સહિત અનુષ્કાને ગુગલે ડેન્માર્કના લેગોની ફ્રી ટ્રિપ પણ આપી છે.