વોશિંગ્ટનઃ ભારતીય અમેરિકન સાંસદ એમી બેરાના ૮૩ વર્ષીય પિતા બાબુલાલ બેરાને મની લોન્ડરિંગ સ્કીમ ચલાવવાના આરોપ હેઠળ એક વર્ષ અને એક દિવસની સજા થઈ છે. પોતાના પુત્રના કોંગ્રેસના પ્રચાર અભિયાન માટે ૨,૬૦,૦૦૦ અમેરિકન ડોલરની રકમ ગેરકાયદેસર રીતે ઉઘરાવવાનો તેમના પર આક્ષેપ છે. સેવાનિવૃત્ત કેમિકલ એન્જિનિયર બાબુલાલ બેરાને અમેરિકન જિલ્લા જજ ટ્રોય એલ નુનલીએ ૧૮મી ઓગસ્ટે સજા ફટકારી હતી.
કેલિફોર્નિયાના કોંગ્રેસ નેતા બાવન વર્ષીય એમી અમેરિકન કોંગ્રેસમાં એકમાત્ર ભારતીય અમેરિકન છે. જ્યારે તેમના પિતાને સજા ફટકારવામાં આવી ત્યારે એમી કોર્ટમાં હાજર નહોતા. સજા સંભળાવતી વખતે કોર્ટે કહ્યું હતું કે, બેરા કોઈ સીધી-સાદી વ્યક્તિ નથી કે જેને ખબર નહોતી કે ચૂંટણીમાં કઇ રીતે કામ થાય છે. આરોપીના પ્રયાસોમાં પણ જોવા મળ્યું છે કે તેમણે ગેરકાયદેસર રીતે ચૂંટણીપ્રચાર માટે કાર્ય કર્યું છે. ચુકાદા બાદ એમીએ જણાવ્યું હતું કે મને આઘાત લાગ્યો છે. ચુકાદાને કારણે મને ખૂબ દુઃખ થયું છે.