ભારતીય-અમેરિકને યુવતીને થપ્પડ મારવાની નોકરી આપીઃ ફેસબુક સે નહીં, સા’બ થપ્પડ સે ડર લગતા હૈ...

Wednesday 17th November 2021 06:03 EST
 
 

વોશિંગ્ટનઃ ટેસ્લાના ઇલોન મસ્કની એક ટિ્વટે ૨૦૧૨ની એક ઘટનાને અને તેની સાથે સંકળાયેલા એક ભારતવંશીને દુનિયાભરના અખબારી માધ્યમોમાં ચમકાવી દીધા છે. મસ્કે તેમની ટ્વિટમાં મનીષ સેઠી નામના એક એવા ભારતીય-અમેરિકનનો ઇમોજી સાથે ઉલ્લેખ કર્યો હતો જેમણે એક મહિલાને નોકરીએ રાખીને એવું કામ સોંપ્યું હતું કે જો પોતે ફેસબુક એપ ખોલે કે સમય વેડફે તો તે મહિલા તરત જ તેને લપડાક મારીને આમ કરતા અટકાવે!
વાત એમ છે કે વેરેબલ ડિવાઇસ બ્રાન્ડ પાવલોકના સ્થાપક ભારતીય-અમેરિકન મનીષ સેઠીએ ૨૦૧૨માં એક મહિલાને ખાસ એટલા માટે કામ ઉપર રાખી હતી કે પોતે જ્યારે પણ ફેસબૂક એપનો ઉપયોગ કરે કે સમય વેડફે ત્યારે તે મહિલા લપડાક લગાવીને આમ કરતાં અટકાવે. સેઠીએ યુએસ ક્લાસિફાઇડ એડવર્ટાઇઝમેન્ટ વેબસાઇટ ક્રેઇગસ્લિટ મારફત આ મહિલાને કામ ઉપર રાખી હતી.
મનીષ સેઠીએ આ કામ માટે મહિલાને દરેક કલાકે આઠ ડોલરનો પગાર ચૂકવ્યો હતો. મહિલાનું કામ એ હતું કે તેણે કાફેમાં અથવા ઘરે સેઠીની સામે બેસવાનું હતું અને તેમના સ્ક્રીન પર નજર રાખવાની હતી.
સેઠીએ પોતાની જાહેરાતમાં લખ્યું હતું કે, મહિલાની ડ્યુટી અંગે ફોડ પાડતાં જણાવ્યું હતું કે હું જ્યારે પણ સમયને વેડફુ ત્યારે તેણે મારા ઉપર ગુસ્સો કરવાનો રહેશે અથવા તો જરૂર પડે તો લપડાક પણ મારવાની રહેશે. કારા નામની મહિલાને લપડાક મારવાની કામગીરી સોંપ્યા બાદ સેઠીને તેના આ વિચિત્ર પ્રયોગનો અસાધારણ ફાયદો મળ્યો હતો.
મસ્કે ટિ્વટર પર આ ઘટના ઇમોજીના ઉલ્લેખ સાથે ટાંકી કે સેઠી ખુશખુશાલ થઇ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, શું આ ફોટો મારો છે? @elonmusk મને બે ઇમોજિસ આપી રહ્યા છે. સેઠીએ ઉમેર્યું હતું કે, મસ્કે મારી સ્ટોરી પર ટિ્વટ કરીને આ દિવસને મારો બનાવી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter