અમદાવાદઃ યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી વંશીય ટિપ્પણી અને મુસ્લિમ દેશો પરના નાગરિકો પરના પ્રતિબંધના કારણે યુએસમાં ધર્મ અને રંગભેદ મુદ્દે વિવાદ અને વિરોધ ઊભા થઈ રહ્યાં છે. ટ્રમ્પે મુસ્લિમ સહિતના બીજા સમુદાયના લોકો માટે અણગમો વ્યક્ત કર્યો છે ત્યારથી લોકો ચિંતામાં છે. તેમાં પણ એનઆરજી અને યુએસમાં વસતા તેમનાં પરિવારજનો આઘાતમાં છે. અમેરિકામાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભાતલાની તાજેતરમાં હત્યા થઈ હતી. જેથી ભારતીયો અને ગુજરાતીઓમાં ફફડાટ દેખાય છે. રાત્રે બહાર નહીં નીકળવાથી માંડીને સલામતી અંગે પણ લોકો વિમાસણમાં છે.
કેન્સાસમાં આવેલા ઓલાથેમાં ૨૨મી ફેબ્રુઆરીએ સાંજે મૂળ હૈદરાબાદનો ૩૨ વર્ષીય ઈજનેર શ્રીનિવાસ અને તેનો મિત્ર આલોક મદાસની ઓસ્ટિન બાર એન્ડ ગ્રીલમાં બેઠા હતા ત્યારે યુએસ નેવીમાં કામ કરતા ૫૧ વર્ષીય એડમ પ્યુરિન્ટને ‘ગેટ આઉટ ઓફ માય કન્ટ્રી’ની બૂમો સાથે બંને મિત્રો પર ફાયરિંગ કર્યું. જેમાં શ્રીનિવાસનું મૃત્યુ થયું હતું. પોલીસે એડમની ધરપકડ કરી હતી. હુમલાખોરથી ભારતીય એન્જિનિયરોને બચાવવાનો પ્રયાસ કરનારા એક યુવક ઇયાન ગ્રિલોટને પણ ઈજા થઈ હતી. શ્રીનિવાસ અને આલોક ભારતીય ટેકનિકલ કંપની ગર્મિનની એવિએશન સિસ્ટમમાં કામ કરતા હતા. શ્રીનિવાસે વર્ષ ૨૦૦૫માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને નઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યું હતું અને ટેક્સાસની અલ પાસોમાંથી એમ.ટેક કર્યું હતું. શ્રીનિવાસના મૃત્યુ બાદ કેન્સાસ શહેરમાં શાંતિ કૂચ અને પ્રાર્થના સભાનું આયોજન થયું હતું. તે સમયે લોકોએ શ્રીનિવાસની હત્યાની નિંદા કરી હતી. વી વોન્ટ પીસ લખેલા બેનર્સ સાથે લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ ઉપરાંત કેલિફોર્નિયાના મિલપીટાસ વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય વેમિશી રેડ્ડી પર તાજેતરમાં વંશીય હુમલા થયા હતા.
કેલિફોર્નિયામાં રહેતા ડો. દિનેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં અમેરિકામાં વસતા ભારતીયોની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. કેટલાક લોકો આ ઘટનાને આકસ્મિક માની રહ્યા છે અને કેટલાક તેને હેટક્રાઇમ તરીકે જોઈ રહ્યા છે. પરિવાર સાથે રહેતા લોકો ચોક્કસ આ ઘટનાને લઈને ગભરાયેલા છે. એટલું જ નહીં આ બન્ને વિસ્તારો જ્યાં આ ઘટનાઓ બની છે તે ઝીરો ક્રાઇમ રેટમાં આવે છે. તેથી વિદેશી ભારતીયો આ એરિયામાં રહેવાનું વધુ પસંદ કરે છે. હજારોની સંખ્યામાં ભારતીયો અહીંયા રહે છે. જેમાંના મોટાભાગના લોકો આઇટી સેક્ટરમાં જ કામ કરે છે.
યુએસમાં વંશવાદ
યુએસમાં વસતા કેટલાક ગુજરાતીઓ કહે છે કે, યુએસમાં થોડો વંશવાદ હોવાનું અમને લાગે છે. ન્યૂ જર્સીમાં રહેતા સ્વાતિ ચતુર્વેદી કહે છે કે, અમુક એવી જગ્યા જ્યાં ફક્ત અમેરિકન રહે છે ત્યાં જવાનું તો એમ પણ સામાન્ય સંજોગોમાં અમે ટાળીએ છીએ કેમકે આપણને ખબર નથી કે તેઓ શું રિએક્ટ કરશે.