નવી દિલ્હી: દક્ષિણ ભારતના ચેન્નઈ સ્થિત દવાની કંપની ગ્લોબલ ફાર્મા હેલ્થકેર પ્રા. લિ.ના આઈ ડ્રોપથી અમેરિકામાં અંધાપો અને મોતની ઘટનાના પગલે કંપનીએ તેની દવા પાછી ખેંચી લીધી છે. બીજી બાજુ તમિલનાડુ ડ્રગ કંટ્રોલર એન્ડ મેમ્બર્સે કંપનીના ઉત્પાદનો સામે તપાસ શરૂ કરી છે. અમેરિકન સરકારી એજન્સીએ ગ્લોબલ ફાર્માના આઈ ડ્રોપથી પાંચ લોકો અંધ થયા હોવાનું અને 55 એડવર્સ કેસ નોંધાયા હોવાનું કહ્યું હતું. એજન્સીએ મોતની વાતને સમર્થન આપ્યું નથી. અમેરિકામાં એલએલસી અને ડેલસમ ફાર્મા દ્વારા વિતરિત ગ્લોબલ હેલ્થ ફાર્માના ઉત્પાદન લુબ્રિકન્ટ આઈ ડ્રોપ્સની તપાસ કરાઈ રહી છે. જોકે, આ કંપનીના આઈ ડ્રોપ્સનું ભારતમાં વેચાણ થતું નથી.