વોશિંગ્ટનઃ અમેરિકાવાસી ભારતીયો વારંવાર લાંચ કેસમાં ઝડપાતા રહે છે. ન્યૂ જર્સીમાં ગત સપ્તાહે વધુ એક ભારતીય ડોક્ટરને લાંચ કેસમાં જેલ સજા થઇ છે. છેલ્લા ત્રણ વર્ષમાં દસ લાખ ડોલરની આવક પર ટેક્સ નહીં ભરનાર અને દર્દીઓને ટેસ્ટીંગ માટે અન્ય લેબોરેટરીમાં મોકલવા માટે લાંચ લેનાર ભારતીય અમેરિકન ડોક્ટરને નવ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી.
ન્યૂ જર્સીના લિવિંગ્સ્ટનના ૭૨ વર્ષના યશ ખન્નાએ ગયા વર્ષે કબૂલ્યું હતું કે તેમણે વર્ષ ૨૦૦૮માં ૩,૧,૦૦૦ ડોલર, વર્ષ ૨૦૦૯માં ૪,૦૦,૦૦૦ ડોલર અને વર્ષ ૨૦૧૦માં ૨,૧૪,૦૦૦ ડોલરની કમાણી કરી હતી. જસ્ટિસ વિભાગે કહ્યું હતું કે તેમણે ઈરાદાપૂર્વક જ ટેક્સ ભર્યા ન હતા અને એ વર્ષોમાં ટેક્સ ભરવા માટે થોડો વધુ સમય માગ્યો હતો.
વર્ષ ૨૦૦૯થી ખન્નાએ પોતાની પ્રેક્ટિસ કરી હતી અને એક ક્લિનિક પણ તેઓ ચલાવતા હતા જેનું નામ હતું ફેમિલી મેડિસીન્સ અને પીડિયાટ્રિક એલેએલસી એમ તેમના દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું હતું.