ભારતીય દ્વારા અમેરિકામાં વોટ્સએપ અને ફેસબુક દ્વારા ઈમિગ્રેશન ફ્રોડની કબૂલાત

Thursday 20th September 2018 07:24 EDT
 

ન્યૂ યોર્ક: ભારતીય નાગરિકે અમેરિકન વિઝા મેળવવા ઇચ્છતા લોકો સમક્ષ પોતાની જાતને યુએસ ઇમિગ્રેશન સર્વિસના કર્મચારી દર્શાવી ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકોને છેતર્યા હોવાનો ગુનો તાજેતરમાં કબૂલ કર્યો હતો. અમેરિકામાં કાયદેસર રીતે વસતો ૫૧ વર્ષીય કંવર સરબજીતસિંહ પોતાને યુએસ ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન સર્વિસ કામગીરી કરનાર વિભાગના હોમલેન્ડ સિકયોરિટી ડિપાર્ટમેન્ટનો કર્મચારી ગણાવતો અને ત્રણથી ચાર હજાર ડોલર લઇને યુએસ વિઝા અપાવી દેશે તેવો ભરોસો આપતો હતો.

તેણે વાયર ફ્રોડ અને નકલી ફેડરલ ઓફિસર બનવાનો ગુનો કબૂલ્યો હતો અને હવે ૧૪ ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે. જેમાં મહત્તમ ૨૦ વર્ષની જેલ થઇ શકે છે. સ્કીમના ભાગરૂપે સિંહે હોમલેન્ડ સિકયોરિટીના અધિકારી હોવાનો નકલી ફોટો મૂકી ઓળખના દસ્તાવેજો બનાવ્યા હતા. પોતે વિઝા ઇમિગ્રેશનના દસ્તાવેજો મેળવી આપવામાં સક્ષમ છે તેવું દર્શાવવા આ જ ફોટાનો ઉપયોગ કરી લોકોને મોકલતો. તેના મેઈલનો જવાબ આપનાર વ્યકિતઓને ત્યારપછી પાસપોર્ટનો ફોટો, પાસપોર્ટની નકલો અને અન્ય દસ્તાવેજો મોકલવા સુચના આપતો હતો. ઉપરાંત વાયર ટ્રાન્સફર દ્વારા અથવા તો ઓવરનાઇટ ડિલીવરી સીસ્ટમથી પૈસા મોકલવા સુચના આપતો હતો. દસ્તાવેજો અને ફી મેળવ્યા પછી જાણે નવી દિલ્હીની યુએસ એમ્બેસીમાંથી પત્રો મોકલાય છે તેવો મેઈલ મોકલતો જેમાં લખવામાં આવતું કે તમે કરેલી વિનંતી મુજબ વિઝા તૈયાર છે લઈ જવા એપોઈન્ટમેન્ટ આપી છે. સિંહના અનેક ભોગ બનેલા લોકો વિદેશમાં રહેતા જેમણે નાણા ગુમાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter