નવી દિલ્હી, વોશિંગ્ટનઃ અમેરિકાનો પ્રવાસ કરતા ઓછાં જોખમી ભારતીય પ્રવાસીઓને હવે ત્યાં ઉતરાણ કર્યા પછી ઝડપી પ્રવેશ મળી શકશે. ભારતે ‘યુએસ ઈન્ટરનેશનલ એક્સપીડીટેડ ટ્રાવેલ ઈનિશિયેટિવ’માં એન્ટ્રી મેળવતાં આ શક્ય બન્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ તરીકે પણ ઓળખાતા આ ઈનિશિયેટિવમાં ભારતના પ્રવેશને આવકારતા જણાવ્યું હતું કે આનાથી ભારતીય નાગરિકો અને યુએસ વચ્ચે શૈક્ષણિક અને બિઝનેસ સંબંધો ગાઢ બનશે. પ્રમુખ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંત્રણા પછી ભારત-અમેરિકાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું કે અમેરિકી પ્રમુખે ભારતીયો અને ભારતીય-અમેરિકનોની ઉદ્યોગસાહસિકતા અને પહેલને બિરદાવી હતી, જેનાથી બંને દેશને લાભ થયો છે.
ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ યુએસ કસ્ટ્મ્સ અને બોર્ડર સુરક્ષા કાર્યક્રમ છે, જે અમેરિકામાં આવતા ઓછાં જોખમકારક પ્રવાસીઓને આગોતરી મંજૂરી સાથે ઝડપી કલીઅરન્સની છૂટ આપે છે. ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં ન્યૂ યોર્ક, નેવાર્ક, વોશિંગ્ટન, ઓસ્ટિન, ડલાસ, હ્યુસ્ટન, બોસ્ટન, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, સાન જોસ, લાસ વેગાસ, મિયામી અને સીએટલ સહિતના મુખ્ય એરપોર્ટ્સનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ્સ પર ઉતરાણ સાથે પ્રોગ્રામ મેમ્બર્સ ઈમિગ્રેશન ઓફિસર્સ પાસે ઈમિગ્રેશન ક્લીઅર કરાવવાની લાઈનમાં ઉભા રહ્યા વિના ઓટોમેટિક કીઓસ્ક્સ મારફત યુએસમાં પ્રવેશ મેળવી શકશે.
આ એરપોર્ટ્સ ખાતે સભ્યો ગ્લોબલ એન્ટ્રી કીઓસ્ક્સ પર જઈ તેમના મશીન-રીડેબલ પાસપોર્ટ અથવા યુએસ પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ રજૂ કરી ફિંગરપ્રીન્ટ્સ ચકાસણી માટે પોતાની આંગળીઓ સ્કેનર પર મૂકે અને કસ્ટમ્સ ડેક્લેરેશન પૂર્ણ કરશે.
આ પછી કીઓસ્ક ટ્રાવેલર ટ્રાન્ઝેક્શન રીસિપ્ટ આપશે અને તેમનો માલસામાન ક્લેઈમ કરી બહાર જવા જણાવશે. યુએસમાં ગ્લોબલ એન્ટ્રી એરપોર્ટ્સ ઉપરાંત, ડબ્લીન (આયર્લેન્ડ), વાનકુંવર અને ટોરોન્ટો (કેનેડા) તેમજ અબુ ધાબી એરપોર્ટ્સ પણ આ યોજનામાં જોડાયા છે.
જોકે, યુએસમાં ઝડપી પ્રવેશ માટે પ્રવાસીએ આગોતરી મંજૂરી મેળવવાની શરત છે. નોંધણી અગાઉ તમામ અરજદારે રુબરુ ઈન્ટરવ્યુ સહિત કડક ચકાસણીઓમાંથી પસાર થવાનું રહે છે. આ છતાં, યુએસમાં પ્રવેશ સમયે પણ પસંદગીના પ્રવાસીઓની તપાસ થઈ શકે છે.