કેલિફોર્નિયાઃ મિનેસોટાની જ્યૂરીએ બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ દ્વારા ૨૧ વર્ષીય ભારતીય મૂળની અમેરિકી વિદ્યાર્થિની રીયા પટેલની હત્યા કરવા માટે તેના બોય ફ્રેન્ડ માઈકલ લોરેન્સ કેમ્પબેલને ગુનેગાર ઠેરવ્યો હતો. પ્રોસિક્યુટર્સે દાવો કર્યો હતો કે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ રીયા પટેલ અને કેમ્પબેલ લાલ ફોર્ડ ફોકસ કારમાં જતા હતા અને કેમ્પબેલ કાર હંકારતો હતો. તે અકસ્માત સર્જીને ત્યાંથી જતો રહ્યો હતો. પરિણામે રીયાનું મૃત્યુ થયું હતું. કેમ્પબેલ પર અકસ્માત સર્જવાનો અને ઘટનાસ્થળેથી નાસી જવાનો એમ બે કાઉન્ટનો આરોપ મૂકાયો હતો. તેને પાંચમી એપ્રિલે સજા સંભળાવવામાં આવશે.
કેમ્પબેલ અગાઉ પણ પૂરઝડપે કાર હંકારવા માટે ઘણી વખત દોષી ઠર્યો હતો. તે હીટ એન્ડ રનના ગુનામાં પ્રોબેશન પર હતો. પટેલના પરિવારજનોએ રીયાથી પ્રેરાઈને રીયા પટેલ ફાઉન્ડેશનની રચનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ બેદરકારીભર્યા અને નશાની હાલતમાં થતા ડ્રાઈવિંગનો અંત લાવવા પ્રજાની મદદ માગશે.