મુંબઈઃ ભારતની ટોચની કેમિકલ કંપની યુપીએલ અમેરિકાની એરિસ્ટા લાઈફ સાયન્સને ૪.૨ બિલિયન ડોલર (રૂ. ૨૯,૦૦૦ કરોડ)માં ખરીદશે. યુનાઈટેડ ફોસ્ફરસના નામે જાણીતી યુપીએલ આ ડીલ સંપૂર્ણપણે રોકડમાં કરશે. આ માટે તેણે અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને પીઈ કંપની ટીપીજી સાથે કરાર કર્યા છે. આ મર્જર બાદ યુપીએલ એગ્રો-કેમિકલ સેક્ટરમાં વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી કંપની બનશે.
છેલ્લા આઠ વર્ષોમાં કોઈ ભારતીય કંપની દ્વારા વિદેશમાં થયેલું આ સૌથી મોટું મર્જર રહેશે. સૌથી મોટું મર્જર એરટેલે ૨૦૧૦માં જેન આફ્રિકાનું કર્યું હતું. એરટેલે આ સોદો રૂ. ૪૭,૦૦૦ કરોડમાં કર્યો હતો.
યુપીએલ તેની મોરિશસ સ્થિત યુપીએલ કોર્પોરેશન મારફત અમેરિકન કંપનીને ખરીદશે. જેમાં ટીપીજી અને અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ૪૧-૪૧ હજાર કરોડનું રોકાણ કરશે. બંને પાસે ૨૨ ટકા ઈક્વિટી રહેશે. યુપીએલે રૂ. ૨૦,૭૦૦ કરોડની લોન માટે જાપાન-હોંગકોંગની બેન્કો સાથે કરાર કર્યા છે.
પ્લેટફોર્મ સ્પેશ્યાલિટી પ્રોડક્ટ્સની પેટા-કંપની ગણાતી એરિસ્ટા કંપની બાયો સોલ્યુશન્સ અને સીડ ટ્રીટમેન્ટનો બિઝનેસ કરે છે. પ્લેટફોર્મ સ્પેશિયાલિટી એ ન્યૂ યોર્ક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.
પ્લેટફોર્મ સ્પેશિયાલિટીએ ફેબ્રુઆરી ૨૦૧૫માં એરિસ્ટા લાઈફને ખરીદી હતી. ૨૦૧૭-૧૮માં એરિસ્ટાને રૂ. ૧૩,૮૦૦ કરોડની રેવન્યુ પર આશરે ૨૯૦૦ કરોડનો ઓપરેટીંગ પ્રોફિટ થયો હતો.
પાંચમી મોટી કંપની
ભારતની યુપીએલ સૂચિત મર્જર બાદ કૃષિ રસાયણ ક્ષેત્રમાં દુનિયાની પાંચમા ક્રમની સૌથી વિશાષ કંપની બનશે. હાલ તે નવમા ક્રમે છે. બાયર, ડુપોંટ, અને સિન્જેટા આ સેગમેન્ટમાં સૌથી મોટી કંપનીઓ તરીકે બજારમાં મોખરાનું સ્થાન ધરાવે છે.