ન્યૂ યોર્ક: ભારતના ૩૦ વર્ષના ઉદ્યોગ સાહસિક ઉમેશ સચદેવનો વિશ્વના પ્રતિષ્ઠિત સામાયિક ટાઈમના દુનિયાને બદલી રહેલા લોકોના લિસ્ટમાં સમાવેશ થયો છે. ઉમેશ સચદેવે વિકસાવેલો ફોન મુશ્કેલી વખતે ૨૫ સ્થાનિક ભાષા સમજી શકે છે. એટલે તેમને મદદ પહોંચાડવી સરળ બને છે. ટાઈમના મતે આ શોધ બેશક યુગ પરિવર્તક છે.
ઉમેશે વિક્સાવેલો ફોન કટોકટીની પળોમાં ફસાયેલા માણસે કોઈપણ ભાષામાં બોલાયેલા સંદેશાને ઝીલીને સમજી શકે છે. એ કારણે તેમના સુધી મદદ પહોંચાડવી સરળ બને છે. ૨૫ ભાષા અને ૧૫૦ બોલીઓ ઉકેલી શકતો આ ફોનનો લાભ દુનિયાના ૫૦ લાખ લોકોને મળી રહ્યો છે. તેમનો આ ફોન દુનિયાને બદલી નાંખનારો હોવાનું ટાઈમ મેગેઝિને નોંધ્યું હતું.
ટાઈમે ઉમેશની આ પ્રોડક્ટ માટે લખ્યું છે કે, સચદેવે લોકો માટે એક સેતુ સાધી આપ્યો છે. એવા લાખો-કરોડો લોકો દુનિયામાં છે જે ભાષાની મર્યાદાને કારણે ટેકનોલોજીની સાથે જોડાતા નથી, પણ આ પ્રોડક્ટ એ મર્યાદા ચોક્કસ દૂર કરી દેશે. સચદેવના સોફ્ટવેરે લોકોની અધૂરપને ભરી દીધી છે. ઉમેશે તેના કોલેજ ફ્રેન્ડ રવિ સરાવગી સાથે મળીને યુનિફોર સોફ્ટવેર સિસ્ટમ વિકસાવી છે. જે આગામી દિવસોમાં ભાષાની મર્યાદાને ઓળંગી જશે.
ચેન્નાઈમાં કામ કરતા ઉમેશની આ પ્રોડક્ટની નોંધ ટાઈમ મેગેઝિને લીધી છે. અને ૨૦૧૬ના દુનિયાને બદલી નાંખનારા લોકોના લિસ્ટમાં તેનો સમાવેશ કર્યો છે. ઉમેશે આ અંગે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ સિસ્ટમ ઘણી રીતે આગામી દિવસોમાં ઉપકારક બની રહેશે. તેના મતે ખેડૂત પોતાની ભાષામાં હવામાનની વિગતો મેળવી શકે છે. તો વેપારીઓ તેમની ભાષામાં આર્થિક બાબતો પૂછે અને તેનો જવાબ સિસ્ટમ તેમની ભાષામાં આપી શકશે. આ સિસ્ટમ આગામી દિવસોમાં કમ્યુનિકેશનની તરાહ બદલી નાંખશે એવો ઉમેશને વિશ્વાસ છે. આ લિસ્ટમાં ઓલિમ્પિક્સ જિમનાસ્ટ સિમોન બાઈલ્સ, સાહસિક ફ્રાન્સિસ સોરો, ૨૫ વર્ષનો સીરિયન રેફ્યુજી ફાઈરસ અલશેટર વગેરેનો સમાવેશ થાય છે.