વોશિંગ્ટનઃ અમેરિકાની એક પ્રખ્યાત થિન્ક ટેન્કના રિસર્ચ મુજબ ભારતમાં અને વિદેશમાં મોદીનો જાદુ હજી બરકરાર છે. ભારતીય રાજકારણમાં મોદી સૌથી લોકપ્રિય હસ્તી પુરવાર થઈ રહ્યા છે. અમેરિકાની થિન્ક ટેન્ક પ્યૂ રિસર્ચ દ્વારા ૨,૪૬૪ લોકોનો સરવે કરાયો હતો. ૨૧ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ વચ્ચે કરાયેલા સરવે અનુસાર ૮૮ ટકા લોકોએ હજી પણ મોદીને લોકપ્રિય હસ્તી તરીકે સ્વીકાર્યા હતા, જ્યારે ૫૮ ટકા લોકપ્રિયતા સાથે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બીજા સ્થાને હતા. કોંગ્રેસઅધ્યક્ષ સોનિયા ગાંધીને ૫૭ ટકા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ૩૯ ટકા લોકોએ લોકપ્રિય ગણાવ્યા હતા. દરેક ૧૦ ભારતીયમાંથી ૯ લોકોએ મોદીનાં કામકાજ પર ભરોંસો દર્શાવ્યો હતો. ૧૦માંથી ૮ લોકોએ દેશની ઇકોનોમી સારી હોવાનું જણાવ્યું હતું. આમ અર્થતંત્રની સ્થિતિ સુધરી છે તેવું માનનારાઓમાં ૧૯ ટકાનો વધારો થયો હતો. દરેક ૧૦માંથી ૭ ભારતીયોએ દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે તે અંગે સંતોષ દર્શાવ્યો હતો. ભારત સાચી દિશામાં જઈ રહ્યો છે તેવું માનનારાઓમાં બે ગણો વધારો થયો હતો.
મોદીની શાખ ટ્રમ્પથી વધુ
ભારતીયોમાં ટ્રમ્પ કરતાં મોદીની શાખ અને લોકપ્રિયતા વધી હતી. સરવે મુજબ અમેરિકા તરફ સકારાત્મક વલણ અપનાવનારાઓની સંખ્યા ૨૦૧૫માં ૭૦ ટકા હતી જે હાલ ઘટીને ૪૯ ટકા થઈ છે. ફક્ત ૪૦ ટકા લોકોએ વૈશ્વિક મુદ્દાઓ પર ટ્રમ્પ સારી રીતે કામ કરી રહ્યા છે તેમ કહ્યું હતું, જ્યારે ૨૦૧૫માં ઓબામાને લોકોએ ૭૪ ટકા મત આપ્યા હતા. ચીન અંગે ૨૦૧૫માં ૪૧ ટકા લોકોએ સારો અભિપ્રાય આપ્યો હતો જે ઘટીને ૨૬ ટકા જ રહ્યો હતો.
ગુજરાત મહારાષ્ટ્રમાં મોદીફિવર
દક્ષિણનાં રાજ્યો આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, તેલંગણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ૧૦માંથી ૯ લોકોએ વડા પ્રધાનની કામગીરી અંગે સકારાત્મક અભિપ્રાયો આપ્યા હતા. આ તમામ રાજ્યોમાં મોદીનો દબદબો અને લોકપ્રિયતા જળવાયેલાં રહ્યાં હતાં. પૂર્વોત્તર રાજ્યો બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન તથા યુપીમાં દર ૧૦માંથી ૮ લોકોએ મોદીને સૌથી વધુ લોકપ્રિય ગણાવ્યા હતા. પૂર્વ ભારતમાં ૨૦૧૫ પછી મોદીની લોકપ્રિયતા થોડી ઘટી હતી.