ન્યૂ યોર્ક: હમાસનો પ્રોપગેન્ડા ફેલાવવાના આરોપસર ડિટેઇન કરાયેલા જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં ભણતા ભારતીય વિદ્યાર્થી બદરખાન સૂરીનું ડિપોર્ટેશન અમેરિકન કોર્ટે અટકાવ્યું છે. બદરખાન સુરી વોશિંગ્ટનમાં જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં એડમન્ડ એ વોલ્શ સ્કૂલ ઓફ ફોરીન સર્વિસમાં અલ વાલિદ બિન તલાલ સેન્ટર ફોર મુસ્લિમ-ક્રિશ્ચિયન અંડરસ્ટેન્ડિંગમાં પોસ્ટ-ડોક્ટરલ ફેલો છે. અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ પેટ્રિસિયા ગાઈલ્સે ગયા ગુરુવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે અરજદાર સામે કોર્ટ વિપરીત આદેશ જારી કરે નહીં ત્યાં સુધી તેની અમેરિકામાંથી હકાલપટ્ટી કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સુરી હાલ તેની પેલેસ્ટીનિયન પત્ની સાથે વોશિંગ્ટન ડીસીમાં રહીને અભ્યાસ કરે છે.
હમાસને ટેકો આપતી પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ થયા બાદ કોલંબિયા યુનિવર્સિટીની વિદ્યાર્થિની રંજની શ્રીનિવાસન જાતે ડિપોર્ટ થઈ તેના એક અઠવાડિયાથી ઓછાં સમયમાં બીજા ભારતીય વિદ્યાર્થી બદરખાન સુરીની યુએસની ઈમિગ્રેશન ઓથોરિટીએ અટક કરી હતી.