કેન્સાસ: અમેરિકાની કોર્ટે ભારતીય સોફ્ટેવેર એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલા (ઉં ૩૨)ની હત્યાના દોષિત અમેરિકાના પૂર્વ નેવી ઓફિસર એડમ પુરિન્ટન (ઉં. ૫૨)ને ૭૮ વર્ષની ઉમરકેદની સજા ફટકારી છે. એડમને ૧૦૦ વર્ષનો થાય ત્યાં સુધી પેરોલ મળશે નહીં!માર્ચ, ૨૦૧૮માં કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો.
શ્રીનિવાસ અને આલોક મદસાની ઓલાથેમાં જીપીએસ બનાવતી કંપની ગાર્મિનના એવિએશન વિંગમાં કામ કરતા હતા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭ની રાત્રે તેઓ ઓલાથેના ઓસ્ટિન બાર એન્ડ ગ્રિલમાં હતા. એ વખતે યુએસ નેવિમાંથી નિવૃત્ત એડમ પુરિન્ટન સામાન્ય બાબતે તેમની સાથે ઝઘડી પડયો હતો. તેણે બંનેને આતંકવાદી કહ્યા હતા. તે બોલ્યો હતો કે મારા દેશમાંથી નીકળી જાઓ. એ પછી થોડા જ સમયમાં તે ગન લઇને પાછો આવ્યો હતો અને શ્રીનિવાસ અને મદસાની પર ગોળીબાર કર્યો હતો. જેમાં શ્રીનિવાસનું મૃત્યુ થયું હતું અને આલોક મદસાની જખમી થયો હતો. શ્રીનિવાસની પત્ની સુનયના દુમાલાએ કોર્ટના ચુકાદા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે ચુકાદાથી મારા પતિ ફરી આવવાના નથી, પરંતુ તેનાથી એ સંદેશો જરૂર મળશે કે નફરતને કોઇ પણ પ્રકારે સ્વીકાર નહીં કરાય.
હું ડિસ્ટ્રિક્ટ એટોર્ની ઓફિસ અને ઓલાથે પોલીસને ધન્યવાદ આપું છું. તેમના પ્રયાસોથી મને ન્યાય મળ્યો છે.