નવી દિલ્હીઃ રશિયન એકમો વતી અમેરિકામાંથી ગેરકાયદે એરોસ્પેસ માલસામાન ખરીદવા બદલ 57 વર્ષના ભારતીયની ધરપકડ થઈ છે. તેના પર નિકાસના નિયમોનો ભંગ કરવાનો આરોપ છે. દિલ્હીસ્થિત એર ચાર્ટર સર્વિસ પ્રોવાઇડર એરેઝો એવિયેશનના મેનેજિંગ પાર્ટનર સંજય કૌશિકની 17મી ઓક્ટોબરે માયામી ખાતે ધરપકડ થઈ હતી. તે ભારતથી અમેરિકા સત્તાવાર પ્રવાસે પહોંચ્યો ત્યારે તેની ધરપકડ કરાઇ હોવાનું ન્યાય વિભાગની યાદીમાં જણાવાયું હતું.
કોર્ટના ફાઇલિંગના જણાવ્યા મુજબ કૌશિક એરક્રાફ્ટના પાર્ટસ, ઉપકરણો અને ટેકનોલોજીની અમેરિકામાંથી ખરીદી કરીને રશિયા અને રશિયન વપરાશકારોને પૂરી પાડતો હતો. તેણે આ પ્રકારની નિકાસ માટે કોમર્સ વિભાગ પાસેથી જરૂરી લાઈસન્સ પણ મેળવ્યું ન હતું. કંપનીની વેબસાઇટ મુજબ એરેઝો એવિયેશન દિલ્હીના મહારામ નગર કેન્ટોન્ટમેન્ટ એરિયામાં તેની ઓફિસ ધરાવે છે અને તે એર ચાર્ટર્સ, એર એમ્બ્યુલન્સીસ અને એરક્રાફ્ટ સ્પેરપાર્ટ્સ લુબ્રિકન્ટ્સ અને કોમર્શિયલ જનરલ અને કોર્પોરેટ એવિયેશન સાથે પાયલોટ સપ્લાય સાથે જોડાયેલી છે. હાલમાં તો કૌશિકને ઓરેગોનની જેલમાં રખાયો છે. જો તે દોષી ઠરશે તો તેને જંગી દંડ અને 20 વર્ષની સજા થશે.