વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અમેરિકામાં રહેતા ભારતીય બે લાખ યુવાનોને માથે ભારત પરત થવું પડે એવું જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ ટાળવા માટે ભારતીય સમાજે એક દાયકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બહુર્ચિચત દીવાલ માટે ૨૫ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરી આપવાની ઓફર કરી છે! આ સ્થિતિનો પડઘો પાડવા માટે કેપિટોલ હિલમાં ભારતીયોએ વિશાળ રેલી કાઢી હતી.
ગેરકાયદે વસતા લોકોને ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાંથી હાંકી કઢાવા માટે કઠોર બની રહ્યું છે, ત્યારે ભારતીયોના એક બે નહીં ૨,૦૦,૦૦૦ યુવાનોને માથે એક નવું જ જોખમ ઊભું થયું છે. આ યુવાનો ૨૧ વર્ષના થશે, ત્યારે તેમનું સ્ટેટસ બદલાઈ જશે અને તેને કારણે નવા નિયમોના આધારે તેમને ભારત પરત મોકલી આપવાની કાર્યવાહી ટ્રમ્પ પ્રશાસન કરી શકે છે.
આ યુવાનોના માતા-પિતા કાયદેસર અમેરિકામાં એચ-૧ બી વિઝા મેળવીને કામ કરવા માટે આવ્યા હતા. એ વખતે આશ્રિત હોવાને કારણે તેમના સંતાનો પણ તેમની સાથે અમેરિકા પહોંચ્યા હતા. આ સંતાનોને એચ-૪ વિઝા અપાયા હતા, જે આશ્રિતોને અપાય છે. હવે મડાગાંઠ એ છે કે જે સંતાનો ૨૧ વર્ષના થઈ જાય છે, તેઓ અમેરિકી કાયદા પ્રમાણે આશ્રિત રહેતા નથી, ત્યારે તેમનો એચ-૪ વિઝાનો દરજ્જો આપોઆપ રદ થાય છે, એ કારણસર તેઓ કાયદેસર અમેરિકામાં આવ્યા છતાં ૨૧ વર્ષના થવા સાથે તેઓ અમેરિકામાં રહેવા માટે લાયક ઠરતા નથી.
આ પ્રકારના યુવાનોની સંખ્યા અમેરિકામાં ૨,૦૦,૦૦૦ જેટલી હોવાનો અંદાજ છે. એક તરફ એચ-૧ બી વિઝા હેઠળ આવેલાઓ પણ કાયમી વસવાટ કરવા માટે જે અરજી કરી છે,તેનો નિકાલ આવતાં પણ ૭૦ કરતાં વધુ વર્ષ લાગી જાય એમ છે, તેને કારણે તેમના માથે પણ જોખમ રહેલું છે.
હાલમાં એચ-૧ બી કે બીજા કામ કરવા માટે મળતા વિઝા લઈને આવેલા ભારતીયો તેમની સાથે લાવેલા આશ્રિતોની સંખ્યા લગભગ ૨,૦૦,૦૦૦ થાય છે. તેઓ ૨૧ વર્ષના થાય ત્યારે નવા કાયદા પ્રમાણે તેઓ આશ્રિત નહીં રહેતા અમેરિકા છોડવું પડે એમ છે. આ નવા કાયદાના વિરોધ સાથે તેમની લાગણની પડધો પાડવા માટે બુધવારે કેપિટોલ હિલ ખાતે ભારતીયોએ વિશાળ રેલી યોજી હતી. જો કે અમેરિકન પ્રશાસન શું પગલાં ભરે છે, તે અંગે કોઈ સંકેત મળતા નથી.