ન્યૂ યોર્કઃ ભારતીય ઉદ્યોગપતિઓ અમેરિકાના વિવિધ શહેરોમાં નવા ટેક હબમાં રોકાણ કરી રહ્યા છે. અંદાજે રૂ. 500 લાખ કરોડના રોકાણ સાથે 12 મિની સિલિકોન વેલી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કેલિફોર્નિયાની પ્રખ્યાત સિલિકોન વેલીની તર્જ પર ભારતીય ઉદ્યોગ સાહસિકોએ ઓસ્ટિન, એટલાન્ટા, સિએટલ, સાન ડિએગો, જેક્સનવિલે અને ઓર્લાન્ડો જેવા શહેરોમાં ટેક કંપનીઓમાં રોકાણ કર્યું છે.
હવે અમેરિકામાં ટેક્નોલોજી સંબંધિત લગભગ 55 ટકા કામગીરી આ શહેરોના ટેક હબમાં થઈ રહ્યું છે. બે એરિયા કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ, ભારતીયોએ લગભગ 30 વર્ષ પહેલાં સિલિકોન વેલીના નિર્માણમાં યોગદાન આપ્યું હતું, અને હવે તેઓ તે જ તર્જ પર મિની સિલિકોન વેલીનું સપનું સાકાર કરી રહ્યા છે.
સૌથી વધુ રોકાણ એઆઇ સેક્ટરમાં
મિની સિલિકોન વેલીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સેક્ટરમાં લગભગ 300 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. સિલિકોન વેલી ચેમ્બર ઓફ કોમર્સના સીઈઓ હરબીર ભાટિયાના જણાવ્યા અનુસાર, ભારતીયોના મૂડીરોકાણથી મિની સિલિકોન વેલીમાં 20 લાખ લોકોને રોજગાર મળી રહ્યો છે.