હ્યુસ્ટનઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ભારતીયોમાં અમેરિકન નેતૃત્વ પ્રત્યેના વિશ્વાસમાં ૧૮ ટકાનો ઘટાડો થયો છે. આ વાત એક સર્વેક્ષણમાં સામે આવી છે. પ્યૂ રિસર્ચ સેન્ટરે ૩૭ દેશોમાં સર્વેક્ષણ કર્યું હતું. આ સર્વેમાં જોવા મળ્યું કે ભારતીય જનતાએ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા માટે ૫૮ ટકાની તુલનામાં ટ્રમ્પ પર ૪૦ ટકા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પરિણામો એવા સમયે આવ્યા છે જ્યારે ટ્રમ્પ વૈશ્વિક નેતાઓની સાથે સંબંધો વધારવા સતત પ્રયાસો કરી રહ્યા છે.
સર્વેમાં કહેવાયું હતું કે અમેરિકાની બહાર જે લોકોને સર્વેમાં સામેલ કરાયા તેમાંથી માત્ર ૨૨ ટકા લોકોએ જ ટ્રમ્પ યોગ્ય કામ કરે છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સર્વેમાં જો કે એ તારણ પણ સામે આવ્યું હતું કે ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી રશિયાના દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે.