વોશિંગ્ટનઃ ગુજરાતી અમેરિકન મહિલા પર કન્યા ભ્રૂણ હત્યાનો આરોપ સાબિત થતાં તેને ૨૦ વર્ષની કારાવાસની સજા થઇ છે. ઈન્ડિયાનામાં સાઉથ બેન્ડના જજે ગત સપ્તાહે આ ચુકાદો આપ્યો હોવાનું પબ્લિક રેડિયો ઈન્ટરનેશનલ (પીઆરઆઈ) દ્વારા જણાવાયું હતું.
૩૩ વર્ષીય પૂર્વી પટેલ ભારતથી અમેરિકા આવીને વસેલા ઈમિગ્રન્ટ પરિવારમાંથી આવે છે, તેઓ ઈન્ડિયાનામાં ગ્રેન્જર ખાતે સ્થાયી થયા છે. જુલાઈ ૨૦૧૩માં પૂર્વી પટેલ સેન્ટ જોસેફ રિજિયોનલ મેડિકલ સેન્ટરના ઈમર્જન્સી રૂમમાં દાખલ થઈ હતી. તેને ખૂબ બ્લીડીંગ થઈ રહ્યું હતું. તે વખતે તબીબોને જણાયું હતું કે પૂર્વીને ગર્ભપાત થયો છે અને પૂર્વીએ પણ કબૂલ્યું હતું કે તેણે ભ્રૂણને તેના માતાપિતાના માલિકીના રેસ્ટોરાં મોઝ સાઉથવેસ્ટ ગ્રિલની બહાર કચરાપેટીમાં ફેંક્યું હતું.
પોલીસે પૂર્વી પટેલની પૂછપરછ કરી હતી અને તે જ્યારે હોસ્પિટલમાં દાખલ હતી એ સમયે તેના મોબાઈલની શોધખોળ પણ કરી હતી, જે મળ્યા પછી તેમાં અનેક ટેક્સ્ટ મેસેજીસ દ્વારા ફરિયાદી પક્ષે એવો દાવો કર્યો હતો કે પૂર્વીએ ગેરકાયદે ગર્ભપાત કર્યો હતો. ફરિયાદી પક્ષે એવો પણ દાવો કર્યો હતો કે એ ટેક્સ્ટ મેસેજીસમાં જોવા મળ્યું હતું કે પૂર્વીએ ગર્ભપાત માટેની દવાઓનો ઓનલાઈન ઓર્ડર પણ આપ્યો હતો.