ન્યૂ યોર્કઃ અમેરિકાની એક કોર્ટે ગુજરાતી યુવતીને ફરમાવાયેલી ૨૦ વર્ષની સજાનો અન્ય કોર્ટનો ચુકાદો રદ કર્યો છે. પૂર્વી પટેલ નામની આ યુવતી સામે ભ્રૂણ હત્યાના આરોપસર કેસ નોંધાયો હતો. પૂર્વી પટેલ ગર્ભપાત માટે દવા લીધી હોવાના કેસમાં દોષિત ઠરી હતી. અમેરિકાની ઉપલી કોર્ટ દ્વારા સજા રદ કરવાના નિર્ણયને સીમાચિહનરૂપ ગણાવતા કાનૂની નિષ્ણાતોએ કહ્યું હતું કે આ ચુકાદો ગર્ભપાત અને ભ્રૂણહત્યાના ભાવિ કેસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઇન્ડિયાના કોર્ટ ઓફ અપીલ્સે ૨૨ જુલાઇએ નોર્ધર્ન ઇન્ડિયાનાં પૂર્વી પટેલની ૨૦ વર્ષની કારાવાસની સજા રદ કરી હતી. ત્રણ જજની બેન્ચે સર્વસંમતિથી ચુકાદો આપતા કહ્યું હતું કે જે કાયદા હેઠળ પૂર્વીને સજા થઈ છે તે કાયદો ગર્ભપાત માટે લાગુ જ નથી પડતો. અહેવાલમાં જણાવાયું છે કે કોર્ટે તેના ચુકાદામાં તપાસકર્તાઓએ ભૂતકાળમાં ભ્રૂણહત્યા કાયદાનો કેવો અમલ કર્યો હતો તેના પર મોટા ભાગે આધાર રાખ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આ કેસ ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલું બાળક હિંસાનો ભોગ બન્યું હોય તેવા કિસ્સાથી સંપૂર્ણ રીતે અલગ છે.
જોકે આ ચુકાદામાં પૂર્વી પટેલને ગુનાઇત જવાબદારીમાંથી મુક્તિ મળી નથી. તેને સામાન્ય પ્રકારની બેદરકારી માટે જવાબદાર ગણવામાં આવી છે. કોર્ટે કહ્યું કે પૂર્વી તેના બાળકને મેડિકલ કેર આપી શકી ન હતી, જે તેણે આપવાની જરૂર હતી.
પૂર્વી પરિણીત પુરુષ સાથેના સંબંધ દ્વારા માતા બની હતી. તેને ડર હતો કે તેના માતા-પિતાને ખબર પડી જશે. આથી તેણે એક બાથરૂમમાં જાતે જ પુત્રને જન્મ આપ્યો હતો. સતત બ્લીડિંગને કારણે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પુત્રને જન્મ સાથે જ પરિવારના એક રેસ્ટોરાંની પાછળના ભાગે ડસ્ટ બીનમાં નાખી દીધો હતો. આ મામલો બહાર આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટના રેકોર્ડમાં એવું પણ દર્શાવવામાં આવ્યું હતું કે તેણે ઓનલાઇન ફાર્મસી પાસેથી ગર્ભપાત માટેની દવા ખરીદી હતી. બાળકનું પરીક્ષણ કરાયું ત્યારે તે જીવિત હતું, બાદમાં તેનું મૃત્યુ થયું હતું.