ન્યૂ જર્સીઃ હોબોકન શહેરના પહેલા શીખ મેયર ભારતીય અમેરિકન રવિન્દ્ર ભલ્લાએ સાર્વજનિક રીતે કહ્યું કે, હાલમાં તેઓને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિટી હોલમાં સુરક્ષામાં ઉલ્લંઘન બાદ ૧૬મી ફેબ્રુઆરીએ જાહેર કરેલા નિવેદનમાં ભલ્લાએ કહ્યું કે, સિટી હોલની સુરક્ષામાં વધારો કરવા માટે એફબીઆઇના આતંકવાદી વિરોધી સંયુક્ત કાર્યબળની સાથે કામ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અજાણ્યો માણસ ભલ્લાની ઓફિસમાં બેગ નાખીને ભાગ્યો હતો. ભલ્લાએ આ ઘટના વિશે વિસ્તારમાં માહિતી આપ્યા વગર જણાવ્યું કે, મને અને મારાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકીની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે સુરક્ષાને ગંભીરતાથી લેવાની જરૂર છે. ભલ્લા ગળાકાપ ટક્કર વચ્ચે ન્યૂ જર્સીમાં મેયર બનનાર પહેલાં શીખ છે. સિટી સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, સિટી હોલમાં એક વ્યક્તિ ઘૂસી ગયો હતો અને તપાસ પહેલા તેણે કહ્યું કે, તે વોશરૂમ જવા માગે છે. ભલ્લા તે સમયે ઓફિસમાં નહોતા. ભલ્લાના એક અધિકારીએ જોયું કે, તે વ્યક્તિ ઓફિસમાં એક બેગ ફેંકીને ભાગી ગયો હતો.