વોશિંગ્ટનઃ અમેરિકાની ઈમિગ્રેશન પોલિસી પર ચાલી રહેલી ચર્ચામાં હવે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ એન્ટ્રી થઈ છે. ટ્રમ્પે પોતાના પારંપરિક સમર્થકોના બદલે બિઝનેસમેન એલન મસ્ક અને વિવેક રામાસ્વામીનો પક્ષ લીધો છે.
ટ્રમ્પે મસ્કની વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું કે દેશમાં ઉચ્ચ પ્રશિક્ષિત કર્મચારીઓને લઈ આવવા માટે વિશેષ વિઝા કાર્યક્રમની જરૂર છે. એક અમેરિકન મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે મને હંમેશાંથી H-1B વિઝા પસંદ છે અને હું હમેશાં તેના પક્ષમાં રહ્યો છું. એ જ કારણે અમે તેને જાળવી રાખ્યા છે.
અમેરિકામાં આજકાલ H-1B વિઝાનો મુદ્દો ચકચારી છે અને ખાસ વાત એ છે કે આ ચર્ચા એલન મસ્ક અને ટ્રમ્પના સમર્થકો વચ્ચે ચાલી રહી છે. ટ્રમ્પ સમર્થકો ઈમિગ્રશન પોલિસીના વિરોધમાં છે. ટ્રમ્પે પોતાના સમગ્ર ચૂંટણીપ્રચારમાં આ મુદ્દા પર ફોકસ કર્યું હતું અને ગેરકાયદે પ્રવાસીઓને રોકવા અને જે ગેરકાયદે પ્રવાસી અમેરિકામાં રહે છે તેને પાછા મોકલવાનું વચન આપ્યું હતું. આ કારણે જ ટ્રમ્પના પારંપરિક સમર્થકો H-1B વિઝાનો પણ વિરોધ કરી રહ્યા છે. જ્યારે એલન મસ્ક H-1B વિઝાનું સમર્થન કરી રહ્યા છે.
દેશની પ્રગતિ માટે કુશળ કર્મચારીની જરૂર
મસ્કનું કહેવું છે કે અમેરિકામાં ઘણા ઓછા ઉચ્ચ પ્રશિક્ષિત કર્મચારી હોય છે અને જો અમેરિકાએ પ્રગતિ કરતાં રહેવું હોય તો વિદેશોમાંથી કુશળ કર્મચારીઓને લાવવા અતિ આવશ્યક છે. મસ્કની સાથે જ ભારતીય મૂળના રાજનેતા વિવેક રામાસ્વામીએ પણ H-1B વિઝાનું સમર્થન કર્યું હતું. આ વિવાદના કેન્દ્રમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાની આગામી સરકાર માટે કરાયેલી એક નિમણૂક છે. આ નિયુક્તિ ભારતવંશી શ્રીરામ કૃષ્ણનની છે, જેમને ટ્રમ્પે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલી બાબતોના સલાહકાર નીમ્યા છે. આ નિયુક્તિ સામે ટ્રમ્પના સમર્થકોએ નારાજગી પ્રકટ કરી છે. એક સમર્થકે કહ્યું હતું કે આ ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિઓથી બિલકુલ વિપરીત છે.
બાઇડેનની ગિફ્ટઃ H-1Bના નિયમ હળવા કર્યા
અમેરિકામાં બાઇડેન સરકારે H-1B વિઝાના નિયમોને હળવા કર્યા છે. તેનાથી અમેરિકન કંપનીઓ માટે ખાસ કૌશલ્ય ધરાવતા વિદેશી કામદારોને નોકરીએ રાખવાનું સરળ બનશે તથા F-1 સ્ટુડન્ટ વિઝાને સરળતાથી H-1B વિઝામાં તબદિલ કરી શકાશે. અમેરિકાની આ જાહેરાતથી ભારતના હજારો ટેકનોલોજી પ્રોફેશનલ્સને લાભ થવાની ધારણા છે. નિયમોને સરળ બનાવીને બાઇડને વિદાય લેતા પહેલા અમેરિકાની ટેકનોલોજી કંપનીઓને એક ગિફ્ટ આપી છે. અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે આ વિઝા પ્રોગ્રામનો ઉપયોગ કરે છે.