નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખપદ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા છે. જોકે ટ્રમ્પ ભલે અમેરિકાના પ્રમુખ હશે, પરંતુ અમેરિકાની ખરી સત્તા તો એલન મસ્ક અને વિવેક રામાસ્વામીના જ હાથમાં હશે તેવું અત્યારથી જ નિષ્ણાતો માનવા લાગ્યા છે. ટ્રમ્પે બંનેને અમેરિકન તંત્રમાં સ્વચ્છતા અભિયાનની કામગીરી સોંપી છે. આ સ્વસ્થતા અભિયાન એટલે કે ડેમોક્રેટ્સનો તંત્રમાંથી સફાયો કરવો અને તંત્રમાં બનેતેટલા રિપબ્લિકનોને ગોઠવવા, જેથી આગામી પ્રમુખપદની ચૂંટણીમાં કોઈ રિપબ્લિકન જ આવે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખપદના રીપબ્લિકન પાર્ટીના પૂર્વ ઉમેદવાર વિવેક રામાસ્વામી અને ટેસ્લાના માલિક એલન મસ્ક નવા રચાનારા ‘એફીશ્યન્સી ડીપાર્ટમેન્ટ' (કાર્યક્ષમતા વિભાગ) ઉપર દેખરેખ રાખશે તેઓ નોકરશાહીમાં પેસી ગયેલી ઉદાસીનતા દૂર કરશે, ખોટા ખર્ચા બંધ કરશે અને ફેડરલ એજન્સીઝનું પુર્નગઠન કરી તેને વધુ કાર્યક્ષમ બનાવશે.
ટ્રમ્પ સરકારી નોકરીઓમાં ઘટાડો કરે એવો સંકેત
ઉદ્યોગપતિમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીએ સંકેત આપ્યો છે કે ટ્રમ્પ સરકાર સરકારી નોકરીમાં મોટાપાયે કાપ મુકી શકે છે. તેમણે કહ્યું હતું કે એલન મસ્ક અને હું ડીસી અમલદારશાહીમાંથી લાખો બિનચૂંટાયેલા અધિકારીઓને દૂર કરવા માગીએ છીએ. રામાસ્વામીએ કહ્યું હતું કે મસ્કને તમે ઓળખતા નથી તે છીણી નહીં પણ મોટો છરો લઈને આ કામ કરવા માગે છે.
પદ સંભાળ્યા પહેલાં જ તુલસીએ શરીફની ઊંઘ ઉડાડી
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરે તે પહેલાં જ ભારતના પડોશી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ છે. પાક. સેનાના ચીફ આસિફ મુનીર પણ ચિંતામાં પડી ગયા હશે. ટ્રમ્પ 2.0માં તુલસી ગબાર્ડને અમેરિકાના ડાયરેક્ટર ઓફ ઇન્ટેલિજન્સના પદ માટે પસંદ કરાયાં છે. તુલસીએ તાજેતરમાં જ પાકિસ્તાન આર્મીને તેનાં કર્મો યાદ કરાવ્યાં. સાથે જ તેમણે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની કાર્યવાહક સરકાર પર પણ હિંદુઓ પર થઈ રહેલા હુમલા બાબતે નિશાન સાધ્યાં હતાં. ‘ડોનાલ્ડ ટ્રમ્પ અપડેટ્સ’ નામના સત્તાવાર એક્સ હેન્ડલ પર રવિવારે શેર કરાયેલા વીડિયોમાં તુલસી ગબાર્ડે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર ધારદાર ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું, કોંગ્રેસમેન (અમેરિકન સાંસદ) હોવાના કારણે હું બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય અલ્પસંખ્યકો સામે થઈ રહેલા હુમલા બાબતે પ્રસ્તાવ કરવા માગું છું. આજે પણ ત્યાં લોકોને સતત નિશાન બનાવાઈ રહ્યા છે.