મસ્ક ઇન્ડિયન ગ્લોબલ આઉટરીચ ગ્રૂપને મળ્યાં

આજના પડકારજનક સમયમાં મસ્ક સાથેનો સંવાદ મહત્ત્વપૂર્ણઃ મનોજ લાડવા

Wednesday 22nd January 2025 05:39 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સલાહકાર અને વિશ્વના સૌથી ધનિક એલન મસ્ક શુક્રવારે ટેક્સાસમાં સ્પેસએક્સના સ્ટારબેઝ સેન્ટર ખાતે ઇન્ડિયન ગ્લોબલ આઉટરીચ ગ્રૂપના પ્રતિનિધિમંડળને મળ્યાં હતાં. આ ગ્રૂપમાં ભારતીય ઉદ્યોગપતિઓ, લેખકો અને બિઝનેસ લીડર્સનો સમાવેશ થાય છે. મસ્કે ગ્રૂપના સભ્યો સાથે ફોટો પડાવ્યો હતો અને એક કલાક સુધી વાતચીત કરી હતી.
આ પ્રતિનિધિ મંડળ સાથે મસ્કે ઉત્સાહપૂર્વક અને અર્થપૂર્ણ વાતચીત કરી હતી. આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે કે કારણ કે અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા પછી મસ્ક એક મહત્ત્વના વ્યક્તિ બન્યાં છે. ટ્રમ્પ સરકારની વિદેશ સહિતની નીતિઓમાં મસ્કનો પ્રભાવ રહેવાની ધારણા છે.
મસ્ક સાથેની મુલાકાત પછી આ ગ્રૂપના સ્થાપક મનોજ લાડવાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી શક્તિશાળી દેશમાં ટ્રમ્પ પ્રેસિડન્ટ બની રહ્યાં છે ત્યારે આ પડકારજનક સમયમાં અર્થપૂર્ણ સંવાદ પહેલાં કરતા વધુ મહત્વપૂર્ણ છે. ઇલોન મસ્ક સાથેની વાતચીતનું નેતૃત્વ કરીને આનંદ થયો કે જેમનું ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્ય આપણા સામૂહિક ભવિષ્યને આકાર આપી રહ્યું છે. તેઓ માને છે કે ભારત-યુએસ સંબંધો ‘સકારાત્મક વલણમાં’ છે અને તેઓ બંને રાષ્ટ્રો વચ્ચે વેપાર ક્ષેત્રે વધુ ભાગીદારીની તરફેણ કરે છે. મસ્કે બન્ને દેશો વચ્ચે - ખાસ કરીને ટેક્નોલોજી અને અવકાશ સંશોધન ક્ષેત્રોમાં - ઊંડા સહયોગની સંભાવના પર ભાર મૂક્યો હતો.
જાણીતા લેખક અમીશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે એલન મસ્ક સાથે વિતાવેલો કલાક ખૂબ જ ઉત્સાહપૂર્વક હતો. અમે આધ્યાત્મિકતા, ચેતના, આંતરગ્રહીય મુસાફરી, આર્થિક નીતિ, એન્જિનિયરિંગ વગેરે જેવા ઘણા વિષયો પર ચર્ચા કરી હતી. તેમને મહાકુંભ મેળા માટે પણ આમંત્રણ આપ્યું હતું. અને મસ્ક આવશે તેવી અમને આશા છે. આ પોસ્ટની સાથે તેમણે મસ્ક અને ગ્રુપના અન્ય સભ્યો સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter