વોશિંગ્ટન: ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ મૂકીને મસ્કે જાણકારી આપતાં જણાવ્યું છે કે, ‘ટેસ્લા પ્રતિની એક જવાબદારીને કારણે મારે ભારત મુલાકાત કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ હું આ વર્ષે જ ભારત આવવાની તક મળે તે જોતો રહીશ.’
અહેવાલ મુજબ આ બાબતની જાણકારી ધરાવતી ત્રણ વ્યક્તિએ મસ્ક મુલાકાત મોકૂફ રહી હોવાની વાતને સમર્થન આપ્યું છે. જોકે મુલાકાત મોકૂફ શા માટે રહી તેનું કારણ આપવામાં નથી આવ્યું. ટેસ્લા કે ભારત સરકાર તરફથી પણ હજી આ મુદ્દે કોઈ નિવેદન નથી અપાયા. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જ એલન મસ્કે પોતે જ ભારત પ્રવાસ ખેડવાના હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમની ભારત મુલાકાતની વિગતો ગુપ્ત રાખવામાં આવી હતી. સૂત્રોએ તે સમયે દાવો કર્યો હતો કે એલન મસ્કની ભારત મુલાકાત ટેસ્લાની ભારતમાં રોકાણની યોજના અને દેશમાં એક નવી ફેક્ટરી ખોલવાની જાહેરાત કરશે.