વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો રહ્યા હોવા છતાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરિસ બંનેમાંથી કોઈ એક ઉમેદવારની તરફેણમાં કોઈ મોજું જણાતું નથી. મોટાભાગના પોલસ્ટર્સે બંને ઉમેદવારોને કટોકટ મત મળવાની આગાહી કરી છે.
સાત મહત્ત્વના રાજ્યો જ્યોર્જિયા, મિશિગન, એરિઝોના, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલીના, વિન્સ્કોસિન અને નેવાડાના મતદારો ચૂંટણીના અંતિમ પરિણામોમાં આખરી વિજેતા નક્કી કરશે તેમ મનાય છે. આ સાતે રાજ્યો સ્વિંગ સ્ટેટ ગણાય છે જેમાં બંનેમાંથી ગમે તે ઉમેદવારને ટેકો મળી શકે તેમ છે. વોશિંગ્ટન ડીસીમાં ડેમોક્રેટિક પાર્ટી માટે ચૂંટણી ફંડ એકત્ર કરનાર રમેશ કપૂર 2016ની બોસ્ટન ઇવેન્ટ યાદ કરતા કહે છે કે મેં વખતે કમલા હેરિસને કહ્યું હતું કે એક દિવસ તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે.
ગયા જુલાઈમાં કમલા ડેમોક્રેટિક સ્ટારની જેમ ચૂંટણીની રેસમાં ઊતર્યાં હતા. ટ્રમ્પની લીડનો લગભગ નાશ કર્યો હતો. જોકે હવે પાસું પલટાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમને બરાબરની ટક્કર આપી રહ્યા છે, અને આ જ કારણ છે કે પ્રમુખપદની ચૂંટણીમાં કોણ જીતશે તે મુદ્દે રાજકીય નિષ્ણાતો પણ માથું ખંજવાળી રહ્યા છે. જોકે કમલાએ વ્યૂહરચના બદલી છે. આ ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે. કમલા રિપબ્લિકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધીઓને જોડવામાં વ્યસ્ત છે. રિપબ્લિકન પાર્ટીના તાજેતરના સરવે અનુસાર, રજિસ્ટર્ડ મતદારોમાંથી 27 ટકા ટ્રમ્પની વિરુદ્ધ છે. તેઓ ટ્રમ્પથી નહીં પરંતુ પાર્ટીથી નારાજ છે. કમલા આ માટે ટ્રમ્પના વ્યક્તિત્વને નિશાન બનાવી રહ્યાં છે.
વોશિગ્ટન ડીસીમાં ફેડરલ ડિપોર્ટમેન્ટના ભૂતપૂર્વ પોલિસી રિસર્ચર ડેનિયલ બ્રુક કહે છે કે કમલાની પ્રારંભિક લીડનું સૌથી મોટું કારણ બાઈડેન મેદાનમાંથી ખસી ગયા પછી લોકોમાં છવાયેલો ઉત્સાહ હતો. માત્ર ડેમોક્રેટિક પાર્ટી જ નહીં પણ તટસ્થ મતદારો પણ માનતા હતા કે હવે ચૂંટણીમાં તાજગી જોવા મળશે. કમલા માટે વિક્રમી ભંડોળ ઊભું થયું હતું. પોલ સરવેમાં પણ તે ટ્રમ્પ કરતા આગળ હતાં, પરંતુ આ દરમિયાન કેટલીક ઘટનાઓ એવી બની કે ટ્રમ્પને ફાયદો મળવા લાગ્યો. જેમાં ટ્રમ્પ પરના હુમલાની ઘટનાઓ પણ સામેલ છે. જોકે હવે કમલાના પાછળ રહેવા માટે બાઇડેન પણ જવાબદાર છે. બાઇડેનની ઇમિગ્રન્ટ્સ વિરોધી નીતિઓ અને રોજગારના મુદ્દે નક્કર પગલાં ન લેવાનું કમલાને ભારે પડી રહ્યું છે. આ ‘બાઈડેન બેગેજ’ છે. બ્રુકે કટાક્ષ કરતાં કહ્યું કે કમલાએ હવે તેને લઇને ચાલવું પડશે. તે થોડું ભારે પડી રહ્યું છે. તેથી તે રેસમાં પાછળ રહી ગઈ છે.
બે કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું
પ્રમુખપદની ચૂંટણીને બે અઠવાડિયા બાકી છે ત્યાં જ બે કરોડથી વધુ મતદારો મતદાન કરી ચૂક્યા છે, જે ઉપ-પ્રમુખ કમલા હેરિસ (ડેમોક્રેટ) અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (રિપબ્લિકીન) વચ્ચે કેવી તીવ્ર સ્પર્ધા પ્રવર્તે છે તે દર્શાવે છે. ફ્લોરિડાની ઈલેક્શન લેબની યુનિવર્સિટી અનુસાર 78 લાખ મતદારોએ વહેલા ઈન-પર્સન વોટિંગમાં ભાગ લીધો હતો જ્યારે કરોડથી વધુ મતદારોએ પોસ્ટલ બેલેટનો વિકલ્પ પસંદ કર્યો છે. આ વર્ષે એરિઝોના, નેવાડા, વિસ્કોનસિન, મિશિગન, નોર્થ કેરોલિના, પેનિસીલવેનિયા અને જ્યોર્જિયા જેવા પરિણામ પર પ્રભાવ પાડવા સક્ષમ મહત્વના સાત રાજ્યો પર વધુ ફોકસ કરાયું છે. અમેરિકામાં વહેલું મતદાન લોકપ્રિય પદ્ધતિ છે જેમાં મતદારોને ચૂંટણીના નિર્ધારિત દિવસ અગાઉ જ પોસ્ટ અથવા નક્કી કરાયેલા પોલીંગ બૂથ પર તેમના મત આપવાની છૂટ હોય છે.
ચીની હેકર્સ કામે લાગ્યા છે
અભેદ્ય ગણાતી વેરિઝોન સિસ્ટમ પણ ચાઈનીઝ હેકર્સે ભેદી નાખી છે અને પ્રમુખપદ તથા ઉપપ્રમુખપદના ઉમેદવારોના ફોન કોલ્સ ચીન ટેપ કરી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ટ્રમ્પના પ્રચારકોને આ સપ્તાહે જ જાણવા મળ્યું છે કે અભેદ્ય ગણાતી વેરિઝોન્સ-સિસ્ટમ પણ ચાઈનીઝ હેકર્સે હેક કરીને ટ્રમ્પ તથા તેના સાથીદારની તેમજ ઉપપ્રમુખ અને આ વખતનાં પ્રમુખપદનાં ઉમેદવાર કમલા હેરીસ સહિત ઘણાના ફોન કોલ્સ હેક થઇ રહ્યા છે.