માઇક્રોસોફ્ટ ભારતમાં 3 બિલિયન ડોલરનું રોકાણ કરશે

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ સત્ય નડેલાની જાહેરાત

Saturday 11th January 2025 04:58 EST
 
 

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના ભારતવંશી ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ સોમવારે પાટનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને ભારતમાં માઈક્રોસોફ્ટના મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણની યોજનાઓ વિશે જાણીને ખુશી વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન બંનેએ ટેક, ઈનોવેશન અને એઆઈના વિવિધ પાસાં પર ચર્ચા કરી હતી. સત્ય નડેલાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત ભારતમાં 3 બિલિયન ડોલરના મોટા રોકાણની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીમાં વડાપ્રધાન સાથે યોજાયેલી મીટિંગ દરમિયાન, માઇક્રોસોફ્ટના સીઇઓએ ભારતમાં કંપનીના વિસ્તરણ અને રોકાણની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. મીટિંગ બાદ મોદીએ આ મીટિંગની તસવીર પોતાના ટ્વીટર પર શેર કરી તો સત્ય નડેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો.
AIના વિવિધ પાસાઓ પર ચર્ચા
સીઈઓ સત્ય નડેલાએ મોદી સાથેની મુલાકાત દરમિયાન ભારતને એઆઈ સેક્ટરમાં અગ્રેસર બનાવવાની દિશામાં કામ કરવાની આતુરતા વ્યક્ત કરી હતી. આ મીટિંગ પછી મોદીએ એક એક્સ-પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘તમને મળીને અને ભારતમાં માઇક્રોસોફ્ટની મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણ યોજનાઓ વિશે જાણીને આનંદ થયો. આ મીટીંગમાં ઈનોવેશન, ટેકનોલોજી અને એઆઈના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સત્ય નડેલાએ એક્સ એકાઉન્ટ પર પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા લખ્યું હતુંઃ ‘તમારા નેતૃત્વ માટે આભાર. ભારતને AI ફર્સ્ટ બનાવવાની તમારી પ્રતિબદ્ધતા અને દેશમાં અમારા સતત વિસ્તરણ પર સાથે મળીને કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ, જેથી દરેક ભારતીય આ AI પ્લેટફોર્મ પરિવર્તનનો લાભ મેળવી શકે.
એક કરોડ લોકોને AI તાલીમ
વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ નડેલાએ મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે માઈક્રોસોફ્ટ વર્ષ 2030 સુધીમાં ભારતમાં લગભગ એક કરોડ લોકોને AI કૌશલ્ય વિકાસની તાલીમ આપશે.
આ સાથે, નડેલાએ બીજી મોટી જાહેરાત કરતા કહ્યું કે આઇટી જાયન્ટ માઇક્રોસોફ્ટ ક્લાઉડ AI ક્ષમતાને વિસ્તારવા માટે ભારતમાં 3 બિલિયન ડોલરનું રોકાણ કરશે. આના દ્વારા દેશમાં ક્લાઉડ અને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવામાં આવશે. હું ભારતમાં અત્યાર સુધીના અમારા સૌથી મોટા વિસ્તરણની જાહેરાત કરતાં અત્યંત આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter