વોશિંગ્ટન: કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. અમેરિકામાં ચાર મહિનાના એક બાળક સાથે જે કંઇ બન્યું તે જાણીને લોકો તેની તુલના સુપરહીરો સાથે કરી રહ્યા છે. સમગ્ર મામલાની શરૂઆત એક તોફાની ચક્રવાત સાથે થઇ. અઠવાડિયા પહેલાની આ ઘટનામાં જોર જોરથી ચેતવણીની સાયરન વાગવા લાગી ત્યારે એકાએક લોકોને ખરાબ હવામાનને કારણે મંડરાતા જોખમની જાણ થઇ.
અમેરિકાના ટેનેસીમાં ક્લાર્ક્સવિલેની રહેવાસી 22 વર્ષની સિડની મૂર આ બાળકની માતા છે. ચક્રવાતને કારણે તેમના મોબાઇલ હોમની છત ઊડી ગઇ. સિડનીનો નાનો દીકરો લોર્ડ ત્યારે ઘોડિયામાં સૂતો હતો અને ચક્રવાતમાં ફંગોળાયો હતો. સીએનએનના રિપોર્ટમાં સિડનીને ટાંકીને જણાવાયું હતું કે હવામાન વિભાગ દ્વારા ચક્રવાતની કોઇ જ આગોતરી ચેતવણી નહોતી. બધું એકદમ અચાનક થયું. તે એક વર્ષના મોટા દીકરા પ્રિન્સ્ટનને લઇને શેલ્ટર તરફ ભાગી જ્યારે તેનો 39 વર્ષનો બોયફ્રેન્ડ અને બંને સંતાનોનો પિતા અરામિસ નાના દીકરા લોર્ડને બચાવવા દોડયો. તેણે જોયું કે લોર્ડ ઘોડિયામાં નહોતો.
ચક્રવાતી તોફાનથી ફૂંકાયેલો ભારે પવન લોર્ડને પોતાની સાથે લઇ ગયો હતો. સિડનીના મોબાઇલ હોમની દીવાલો પણ તેની નજર સામે ધરાશાયી થઇ હતી. જોતજોતામાં ચક્રવાતી તોફાન વચ્ચે વરસાદ પણ શરૂ થઇ ગયો. સિડની કાટમાળમાં ફેરવાઇ ગયેલા પોતાના ઘરમાંથી એક વર્ષના દીકરાને લઇને સુરક્ષિત સ્થળ તરફ ભાગી. બીજી તરફ અરામિસ 10 મિનિટ સુધી ચાર મહિનાના લોર્ડને શોધતો રહ્યો. બાદમાં જાણવા મળ્યું કે લોર્ડ તેના ઘરથી 30 ફૂટ દૂર એક ઝાડ પર હતો અને સખત રડતો હતો. તે ઝાડ પણ ચક્રવાતને કારણે ધરાશાયી થઇ ગયું હતું.
સિડનીના જણાવ્યા અનુસાર, મારા માટે આ કોઇ ફિલ્મી દૃશ્ય જેવું હતું. અરામિસ વરસાદમાં પલળતા લોર્ડને તેડીને આવતો હતો ત્યારે તેના કપડાં ફાટી ગયા હતા. લોર્ડના ચહેરા પર ઇજાના નિશાન હતા. મદદ માટે આ પરિવારે દોઢેક કિલોમીટર સુધી ચાલવું પડયું. ત્યાર બાદ ત્યાં એમ્બ્યુલન્સ અને રેસ્ક્યૂ ટીમ પહોંચી.
લોર્ડનું આખું શરીર માટીવાળું થઇ ગયું હતું. તેના શ્વાસ તો ચાલુ હતા પણ તે એકદમ શાંત થઇ ગયો હતો. ડોક્ટર્સે તેને તપાસ્યો અને પછી સિડનીના ખોળામાં સોંપી દીધો. તેમણે એમ કહેતાં જ સિડનીએ રાહતનો શ્વાસ લીધો કે લોર્ડ સંપૂર્ણપણે સ્વસ્થ છે. સિડનીના પરિવારની મદદ માટે તેની બહેન કેટલિન મૂરે GoFundMe પર એક પેજ બનાવ્યું છે, જેથી લોકો ડોનેશન આપી શકે. કેટલિને કહ્યું કે લોર્ડનું સહીસલામત બચવું એ કોઇ ચમત્કારથી કમ નથી.