ન્યૂ યોર્કઃ ભારતીય અમેરિકન અભિનેત્રી અને લેખિકા મિન્ડી કાલિંગ અને ભારતીય અમેરિકન ડિરેક્ટર નિશા ગણાત્રા માટે વર્ષ ૨૦૧૯નો આરંભ ધમાકેધાર રહ્યો છે. જાન્યુઆરીની ૨૫મીએ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિઅર એટલે કે પ્રથમ વખત દર્શાવાયેલી તેમની નવી ફિલ્મ ‘લેટ નાઈટ’ના યુએસના વિતરણ હકોને એમેઝોન દ્વારા ૧૩ મિલિયન ડોલરમાં ખરીદી લેવાયા છે. સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે આ નવો રેકોર્ડ છે.
મિન્ડી કાલિંગે પ્રથમ વખત ‘લેટ નાઈટ’ ફિલ્મમાં લેખિકા અને મુખ્ય અભિનેત્રીની બેવડી ભૂમિકા નિભાવી છે. ફિલ્મના સહ કલાકારોમાં જ્હોન લિથગો, એમી રાયન અને આઈક બ્રેઈનહોલ્ટ્ઝ છે. આ ફિલ્મમાં લેટ નાઈટ ટોક શો સર્કિટના દંતકથારુપ અને પ્રણેતા હોસ્ટ કેથેરાઈન ન્યૂબેરીનું પાત્ર એમ્મા થોમ્પસને ભજવ્યું છે. એમેઝોન સ્ટુડિયોઝના વડા જેનિફર સાલ્કેએ જણાવ્યું હતું કે, ‘મિન્ડી કાલિંગે મનોરંજક અને શક્તિશાળી ફિલ્મના તાણાવાણા અદ્ભૂત રીતે ગોઠવ્યાં છે. પ્રીમિઅર પછી લાઈટ આવતાં સાથે જ અમે જાણી લીધું કે દર્શકો અવશ્ય આ ફિલ્મને માણશે અને તેના વિશે વાત પણ કરશે.’
સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનો ઉલ્લેખ કાલિંગ દ્વારા ‘સારી રીતે’ લખાયેલી અને ગણાત્રાના ‘ચૂસ્ત’ નિર્દેશન કરાયેલી ફિલ્મ તરીકે કરાયો હતો. કાલિંગે જણાવ્યું હતું કે, ‘હું ‘લેટ નાઈટ’ ફિલ્મને એન્ટરટેઈન બિઝનેસમાં પગપેસારો કરવા ઈચ્છતી વ્યક્તિની જાણિતી કથાને તદ્દન નવા પરિપ્રેક્ષ્યમાં ફરીથી કહેવાની તક તરીકે નિહાળું છું. આ મૂવી એન્ટરટેઈન બિઝનેસની બહાર હોવાની સાથે જ તેના ચાહક હોવાં વિશે છે. આ કથા શ્વેત પુરુષો દ્વારા ઘણી, ઘણી, ઘણી વખત કહેવાઈ ગઈ છે અને મને તે બધાં જ મૂવી ગમ્યાં હતાં.’