વોશિંગ્ટનઃ અમેરિકનો જેની ભયભીત બનીને, ઘરની દીવાલો પર ‘ગો-બેક’ લખીને રાહ જોઈ રહ્યા હતા તેવા સદીના ભયાનક ચક્રવાત મિલ્ટને જમીન પર ટકરાતાં જ ફલોરિડા રાજ્યમાં તારાજી વેરી હતી. આ ચક્રવાતથી લગભગ 30 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આમ પણ, આ વાવાઝોડાની અગમચેતીના ભાગરૂપે મોટા ભાગના વિસ્તારો ખાલી કરી દેવાયા હતા. સરકારે જારી કરેલી સૂચનાઓના પગલે લોકોએ જીવ બચાવવા જાતે પણ વિસ્થાપન કર્યુ હતું. મિલ્ટન વાવાઝોડાના કારણે લગભગ 200 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. મિલ્ટને ફલોરિડા આસપાસ 16 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફ્લોરિડા પર ત્રાટકેલી આ કુદરતી આફત દરમિયાન 23 ટકાથી વધુ ગેસ સ્ટેશનોમાં ગેસનો પુરવઠો સમાપ્ત થઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાઇ જતાં લાખો લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યાં હતા. આ વિસ્તારમાં બચાવ કાર્ય પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે.