મિશિગનઃ અમેરિકાના મિશિગનની હેન્ટી ફોર્ડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં કામ કરતા ડો. રાકેશ કુમારનો મૃતદેહ સાતમીએ કારમાંથી મળી આવ્યો હતો. તેમની હત્યાનું પગેરું પોલીસ શોધી રહી છે. જોકે કુમારના પરિવારજનોને હત્યા પાછળ કોનો હાથ હોઈ શકે તેનો અંદાજ નથી. આ હેટક્રાઇમ હોવાની પણ શક્યતા નથી. અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયનના વડા અને કુમારના પિતા નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તેમને કોઇના પર શંકા નથી. રાકેશ ભારતના કોચીમાં મેડિકલ સાયન્સની ડિગ્રી મેળવીને અમેરિકા ગયો હતો. તે હોસ્પિટલમાં ફરજ પર હાજર ન રહેતા ડોકટરે તેના પિતાને ફોન કર્યો હતો. એ પછી તેણે પોતાના પુત્રને ફોન કર્યા હતા, પરંતુ કોઇ પ્રતિભાવ મળ્યો નહોતો. પિતાએ પોલીસને જાણ કરી હતી. એક કલાકની શોધખોળ પછી રાકેશ કુમારનો ડેટ્રોઇટ નજીક તેની કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે કોઇ નિવેદન આપ્યું નથી.