વોશિંગ્ટન: મુંબઈ પરના આતંકી હુમલામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વૂર રાણાનું ટૂંક સમયમાં ભારતને પ્રત્યર્પણ થઇ શકે છે. તહવ્વુર રાણાને ભારત લાવવાની પ્રક્રિયા અધિકારીઓના મધ્યમથી ચાલી રહી છે. ઓગસ્ટ2024માં અમેરિકી કોર્ટે તહવ્વુર રાણાના પ્રત્યર્પણની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
કોર્ટના ચુકાદા બાદ અમેરિકા અને ભારત વચ્ચે પ્રત્યર્પણ માટે વાતચીત ચાલી રહી છે. તહવ્વુર રાણા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો છે. સાત ભાષાઓ જાણનારો તહવ્વૂર રાણા મુંબઇમાં વર્ષ 2008માં થયેલી આતંકી હુમલામાં સામેલ હતો.
પોલીસના જણાવ્યા મુજબ, રાણાએ મુંબઇમાં હુમલા પહેલા રેકી કરી હતી અને તે પાકિસ્તાની સૈન્ય તથા ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે પણ કામ કરી ચુક્યો છે. સૈન્યની નોકરીમાંથી 10 વર્ષ બાદ રાજીનામું આપીને તે ભારતવિરોધી કૃત્યોમાં સામેલ થઈ ગયો હતો. પાકિસ્તાનમાં જન્મેલા તહવ્વૂર રાણાની પાસે કેનેડાની પણ નાગરિકતા છે. તે જર્મની, બ્રિટન, કેનેડા, અમેરિકા સહિતના દેશોમાં ફરી ચૂક્યો છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન ઉલ્લેખ થયો હતો કે 2006થી લઈને 2008 સુધી તહવ્વૂર રાણા પાકિસ્તાનમાં ડેવિડ હેડલી સાથે મળીને મોટું કાવતરુ ઘડી ચુક્યો હતો. ભારત માટે તહવ્વૂર રાણાનું પ્રત્યાર્પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેણે તૈયબા સાથે મળીને હરકત-અલ-જિહાદ-એ-ઇસ્લામીની મદદ કરી હતી.
તહવ્વૂર રાણાને ભારતમાં લાવીને પૂછપરછ કરવામાં આવે તો આતંકી સંગઠનો અંગે અનેક માહિતી બહાર આવી શકે છે. આ માહિતીની મદદથી પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડવામાં આવી શકે છે. હુમલામાં સામેલ ડેવિડ હેડલીને તમામ માહિતી તહવ્વૂર રાણાએ જ આપી પાડી હતી. તાજેતરમાં તેણે અમેરિકાની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવીને ભારત પ્રત્યર્પણની પણ છૂટ આપી દીધી છે.