ફ્લોરિડાઃ આણંદ જિલ્લાના સોજીત્રાના ૩૩ વર્ષીય યુવાન ઉજ્જવલ ‘રોકી’ પટેલની અમેરિકામાં ૨૨મી એપ્રિલે ગોળી મારીને હત્યા થઈ છે. ઉજ્જવલ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં એક કન્વેનિયન્સ સ્ટોરમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો. અમેરિકામાં ગુજરાતીની હત્યાની છેલ્લા ૭ મહિનામાં આ ૧૩મી ઘટના છે.
સ્ટોરમાં લૂંટના ઇરાદે જ શ્યામ યુવક દ્વારા ઉજ્જવલની હત્યા થઈ હતી. ઉજ્જવલ સ્ટોર બંધ કરવાની તૈયારી રહ્યો હતો ત્યારે અશ્વેત યુવાન સ્ટોરમાં ઘૂસી આવ્યો અને તેણે ઉજ્જવલ સામે ગન તાકી દીધી હતી. ઉજ્જવલ હજુ કંઈ સમજે તે પહેલાં હુમલાખોરે સ્ટોરના કેશ કાઉન્ટર પરથી કેશ લૂંટ્યા બાદ ઉજ્જવલને છાતીમાં ગોળી મારતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
અશ્વેત યુવક સીસીટીવીમાં કેદ
ઉજ્જવલના હત્યારાને જબ્બે કરવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી, પણ પોલીસના જણાવ્યાનુસાર ઉજ્જવલનો હત્યારો અશ્વેત યુવક ૫ ફૂટ ૬ ઇંચ ઊંચો હતો. તેણે રેડ કલરનું હૂડી અને બ્લૂ જીન્સ તથા સ્કલ કેપ પહેર્યાં હતાં. તેનો અડધો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો. તેની પાસે બેકપેક પણ હતી. તે સ્ટોરના સીસીટીવીમાં કેદ થયો હતો.
ભારત આવવાની ઇચ્છા અધૂરી રહી
ઉજ્જવલ ૩ વર્ષનો હતો ત્યારથી જ અમેરિકામાં ઉછર્યો હતો. તેના પિતા હેમંતભાઈ અને માતા કોકિલાબહેન ૩૦ વર્ષ પૂર્વે અમેરિકામાં સ્થાયી થયા હતા. બે વર્ષ પૂર્વે ઉજ્જવલના લગ્ન પણ અમેરિકામાં જ થયા હતા. ગત નવરાત્રી વખતે હેમંતભાઈનો એકનો એક પુત્ર ઉજ્જવલ પરિવાર સાથે પહેલીવાર ભારત આવવાનો હતો, પરંતુ નોકરીમાંથી રજા ન મળતાં આવી શક્યો નહોતો.
સ્થાનિકોમાં શોક
ઉજ્જવલ ઓકાલાના સ્ટોરમાં છેલ્લા ૮ મહિનાથી કામ કરતો હતો. હસમુખો, મિલનસાર અને બોલકો ઉજ્જવલ સ્ટોરના કસ્ટમર્સમાં તેમજ સ્થાનિક લોકોમાં પણ ઘણો લોકપ્રિય હતો. સ્થાનિક લોકોએ ઉજ્જવલના મોત અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને તેના હત્યારાને ઝડપભેર પકડવાની માગ કરી હતી.