વોશિંગ્ટનઃ અમેરિકામાં મેકડોનાલ્ડ્સના બર્ગરને ‘ઈ-કોલી’ વાયરસ ફેલાવવા માટે જવાબદાર ઠેરવ્યા પછી મેકડોનાલ્ડ્સે એવો દાવો કર્યો છે કે આ વાયરસ કેલિફોર્નિયા સ્થિત ઉત્પાદન કંપનીની ડુંગળીને લીધે ફેલાયો છે. મેકડોનાલ્ડ્સે જણાવ્યું કે કેલિફોર્નિયાના સૈલિનાસ સ્થિત એક કેન્દ્રમાંથી ડુંગળી મોકલાઇ હતી. ફેડરલ આરોગ્ય અધિકારીઓ વાયરસ માટે ડુંગળીની તપાસ કરી રહ્યા છે. દેશના રેસ્ટોરાં માટેના મુખ્ય જથ્થાબંધ વેપારી યુએસ ફૂડ્સે જણાવ્યું કે ટેલર ફાર્મ્સમાં સંભવિત ‘ઈ-કોલી’ વાયરસની તપાસ માટે આખી અને સમારેલી ડુંગળીને પાછી મગાવી છે. યુએસ ફૂડ્સના પ્રવકતાએ જણાવ્યું કે પાછી મગાવેલી ડુંગળી કોલોરાડોના ટેલર ફાર્મ્સમાંથી આવી હતી. પણ તે મેકડોનાલ્ડ્સનું સપ્લાયર નથી. આ ઘટના બાદ ટેકોબેલ, પિત્ઝા હટ, કેએફસી અને બર્ગર કિંગ સહિતની ઘણા કંપનીએ તેના પ્રોડકટમાંથી ડુંગળી હટાવી દીધી છે.