ન્યૂ જર્સીઃ ન્યૂ જર્સીનાં એડિસન ખાતે રિપબ્લિકન હિંદુ કોએલિશન દ્વારા ૧૫મી ઓક્ટોબરે આયોજિત એન્ટિ-ટેરરિઝમ ચેરિટી ઇવેન્ટને સંબોધતાં અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખોબલે ને ખોબલે વખાણ કર્યાં હતાં. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારતને મોદી જેવા ઊર્જાવાન અને મહાન નેતા મળ્યા છે. મોદીએ ભારતના અર્થતંત્ર અને અન્ય મુદ્દે સારા પગલાં લીધાં છે.
આ સિવાય આતંકવાદ સામેની લડાઈમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, કટ્ટર ઇસ્લામિક ત્રાસવાદ સામેની લડાઈમાં અમેરિકાને ભારત જેવો મહાન મિત્ર દેશ મળ્યો છે. મારા પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટન આ શબ્દનો ઉપયોગ કરતા નથી. ભૂતકાળમાં ભારતે મુંબઈ અને દિલ્હીની સંસદ પરના હુમલા સહિતની આતંકી ઘટનામાં આતંકવાદની ક્રૂરતાનો અનુભવ કર્યો છે. મુંબઈ અને ભારતીય સંસદ પરના આતંકી હુમલા અત્યંત ભયાનક હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બનવા તૈયાર છું: ટ્રમ્પ
ભારત અને પાક. વચ્ચે હાલમાં પ્રવર્તતા તણાવ મામલે ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન ઇચ્છશે તો હું તેમની વચ્ચે મધ્યસ્થ કે લવાદ બનવાનું પસંદ કરીશ. હું ભારત અને પાકિસ્તાન વચ્ચે સમાધાન કરાવવા ઇચ્છું છું, કારણ કે તેમની વચ્ચેનો તણાવ ભયાનક સ્તરે પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત કાશ્મીરવિવાદમાં કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકા નકારતો રહ્યો છે.
એચ-૧બી વિઝા મુદ્દે નરમ વલણ
અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે એવું નિવેદન આપ્યું હતું કે, હું એચ-૧બી વિઝા પર આકરા નિયંત્રણો લાદી દઈશ કારણ કે ભારતીય અને ચીની નાગરિકો અમેરિકનોની નોકરી છીનવી રહ્યાં છે. આ અંગેના સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું એચ-૧બી વિઝાની તરફેણમાં છું, પરંતુ આ સુવિધામાં રહેલી અનેક અને ગંભીર ખામીઓ દૂર કરવાની જરૂર છે. અમેરિકાને કુશળ કર્મચારીઓની જરૂર છે અને હું પણ આ પ્રોગ્રામનો મારા બિઝનેસમાં ઉપયોગ કરું છું.