વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખ બાઇડેન અને તેમના પરિવારને 2023માં વિદેશી નેતાઓ તરફ અનેક મોંઘી ભેટો મળી હતી. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી રિપોર્ટ પ્રમાણે આ ભેટની અંદાજિત કિંમત લાખો ડોલરમાં થાય છે. રિપોર્ટ પ્રમાણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન 2023માં યુએસ પ્રવાસ દરમિયાન જો બાઇડેનના પત્ની જિલ બાઈડેનને રૂ. 17 લાખની કિંમતનો ડાયમંડ ભેટમાં આપ્યો હતો. 7.5 કરેટનો આ લેબગ્રોન ડાયમંડ સુરતમાં બન્યો હતો. આ ઉપરાંત ઈજિપ્તના રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની તરફથી જિલ બાઈડેનને 3 લાખ 86 હજારની કિંમતનું એક બ્રેસલેટ અને ફોટો આલબમ ભેટમાં મળ્યા હતા. પ્રમુખ બાઈડેનને પણ ઘણી કિંમતી ભેટ મળી છે. જેમાં સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ તરફથી રૂ. 6 લાખનું એક ફોટો આલબમ, મંગોલિયાના વડાપ્રધાન તરફથી રૂ. 3 લાખની કિંમતની મંગોલિયાઈ યોદ્ધાની મૂર્તિ ભેટમાં મળી હતી. તો બ્રુનેઈના સુલતાને રૂ. 2 લાખથી વધુની કિંમતનું ચાંદીનું બાઉલ, ઈઝરાયલના રાષ્ટ્રપતિ તરફથી 2.81 લાખની સ્ટર્લિંગ સિલ્વર ટ્રે ભેટ આપી હતી. જોકે, આમાંથી મોટા ભાગની મોંઘી ભેટ રાષ્ટ્રીય આર્કાઇવ્ઝમાં મોકલી દેવાય છે અથવા તો તેને સરકારી પ્રદર્શનોમાં મૂકવામાં આવે છે.