ન્યૂ જર્સીઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના સંયોજક હાર્દિક પટેલના સમર્થકોએ અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાનો ઇન્કાર કર્યો છે. અને સાથે જ તેમના આ પ્રવાસનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધો છે. મોદી આ મહિનાના અંતમાં અમેરિકાના પ્રવાસે જવાના છે.
મંગળવારે અંદાજે એક હજાર પાટીદારોએ ન્યૂ જર્સીમાં આવેલા એડિસન શહેરમાં એક બેઠક યોજી હતી. જેમાં નક્કી થયું હતું કે, પટેલોને ઓબીસી સમાવવા અંગે સરકાર પર દબાણ લાવવામાં આવશે. તેઓ ભારતમાં પાટીદારો માટે એકતા દર્શાવવા ઇચ્છે છે.
ન્યૂ જર્સીમાં પટેલ મોટી સંખ્યામાં વસે છે. મોટાભાગના લોકો વ્યવસાયિક છે. ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન પોલીસે કરેલા દમનથી અમેરિકામાં પણ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે.
અનામત આંદોલન સાથે જોડાયેલા સરદાર પટેલ ગ્રૂપના અધ્યક્ષ લાલજીભાઇ પટેલે કહ્યું હતું કે, મોદી સરકારે પટેલ અનામત માટે કંઈ કર્યું જ નથી માટે તેમના કાર્યક્રમનો બહિષ્કાર કરાશે.