મોદીના યુએસ પ્રવાસ માટે ભારતીયોમાં અનેરો ઉત્સાહ

ન્યૂયોર્કમાં સ્ટેડિયમની ક્ષમતા 15 હજાર, રજિસ્ટ્રેશન 24 હજાર

Tuesday 03rd September 2024 11:14 EDT
 
 

ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને લઇને ભારતવંશી સમુદાયમાં ઉત્સાહ છે. નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના નસાઉ સ્ટેડિયમમાં ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ ઇવેન્ટને સંબોધિત કરશે. આ ઇવેન્ટમાં અત્યાર સુધી 24 હજાર ભારતવંશીઓ નોંધણી કરાવી ચૂક્યા છે. જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 15 હજાર છે.

ભારત-અમેરિકા સમુદાયના સંગઠન આઈએસીયુના પ્રમાણે નોંધણી કરાવનારા ભારતીયોની સંખ્યા 30 હજારને પાર થઇ ગઇ છે. આઈસીયુનું કહેવું છે કે દરેકને સ્ટેડિયમમાં બેસવાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી 2014માં ન્યૂયોર્કના મેડિસન સ્કવેર ગાર્ડન અને 2019માં હાઉડી મોદી કમ્યુનિટી ઇવેન્ટને સંબોધી ચૂક્યા છે. આ બંને ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ભારતીયોએ ભાગ લીધો હતો.
42 રાજ્યોમાંથી ભારતીયો પહોંચશે
નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકાનાં 50માંથી 42 રાજ્યોમાંથી ભારતીયોની આવવાની શક્યતા છે. મુખ્ય આયોજક આઈએસીયુના પ્રમાણે સૌથી વધુ રજિસ્ટ્રેશન ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, કનેક્ટિકટ, ટેક્સાસ, ફલોરિડાથી થયાં છે. 590 ભારતીય-અમેરિકન સમુદાય વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રહ્યાં છે. ભારતીય-અમેરિકનોના વિવિધ ધાર્મિક અને ભાષા સંગઠનો આમાં સામેલ છે. નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં સાયન્સ, મનોરંજન અને બિઝનેસ સાથે જોડાયેલા સફળ ભારતવંશી લોકો ભાગ લેશે.
યુએન એસેમ્બલીને પણ સંબોધન
​​​​​​​વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીનું 79મું સત્ર સંબોધશે. યુએનના જણાવ્યા અનુસાર આ દિવસે મહત્ત્વના દેશોના પ્રમુખો સભા સંબોધશે. યુએનનું સત્ર 24થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter