વોશિંગ્ટનઃ અબજોપતિ એલોન મસ્ક નરેન્દ્ર મોદીને બ્લેર હાઉસ ખાતે મળ્યા હતા. મસ્કની સાથે તેમની લાઈફ પાર્ટનર શિવોન ઝિલિસ અને તેના ત્રણ બાળકો પણ મોદી સાથેની મુલાકાતમાં હાજર રહ્યાં હતાં. શિવોન ઝિલિસ સાથેના સંબંધથી મસ્કને દીકરી અઝુરે, દીકરો સ્ટ્રાઈડર અને દીકરો એક્સ એમ ત્રણ સંતાન છે. આ ત્રણેય સંતાન મોદી સાથેની મુલાકાત વખતે હાજર હતાં.
આ મુલાકાત દરમિયાન મોદીએ મસ્કના બાળકોને ત્રણ પુસ્તકો ભેટમાં આપ્યાં હતાં. આ ત્રણ પુસ્તકોમાં નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરનું ‘ધ ક્રેસન્ટ મૂન’, ‘ધ ગ્રેટ આરકે નારાયણ કલેક્શન’ અને પંડિત વિષ્ણુ શર્માનાં ‘પંચતંત્ર’નો સમાવેશ થાય છે. મોદી દ્વારા એક્સ (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવેલી તસવીરોમાં મસ્કના બાળકો પુસ્તકો વાંચતા જોવા મળ્યા હતા.
મસ્ક બિઝનેસની ચર્ચા કરવા મોદીને મળ્યા હશેઃ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી અને ઈલોન મસ્ક વચ્ચેની મુલાકાત અંગે કહ્યું હતું કે, મને લાગે છે કે મસ્ક ભારતમાં બિઝનેસ કરવા માંગે છે, પણ ટેરિફને કારણે ભારતમાં વ્યાપાર કરવો ખૂબ મુશ્કેલ છે. ભારતમાં ટેરિફ ખૂબ ઊંચો છે તેથી કોઈ પણ બિઝનેસમેન ધંધો ના કરી શકે. ટ્રમ્પે કહ્યું કે, મસ્ક પોતે એક કંપની ચલાવે છે તેથી પોતાના બિઝનેસ અંગે ચર્ચા કરવા માટે મોદીને મળ્યા હશે. અમેરિકન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્ન્મેન્ટ એફિશિયન્સી (DOGE)ના ચેરમેન મસ્ક સાથે મોદીની મુલાકાત ટ્રમ્પની મુલાકાત પહેલાં થઈ હતી. મોદીએ મસ્ક સાથેની મુલાકાતમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ વિગતો નહોતી આપી પણ બંને વચ્ચે ભારતમાં ટેસ્લા અને સ્ટારલિંકની એન્ટ્રી અંગે ચર્ચા થયાની શક્યતા છે.