વોશિંગ્ટનઃ યુએસ સમુદ્ર નિરીક્ષણમાં મદદરૂપ શસ્ત્રોવિહીન આધુનિક ૨૨ ગાર્ડિયન ડ્રોન માટે ભારતે કરેલી અરજીના સંદર્ભમાં અમેરિકા સકારાત્મક નિર્ણય લે તેવી શક્યતા છે. આ ડ્રોન હિંદ મહાસાગરમાં નિરીક્ષણ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. જો આ ડ્રોન ભારતને મળી જશે તો ભારત માટે આ મોટી સફળતા ગણાશે અને પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાશે. અમેરિકા જો ભારતની તરફેણમાં નિર્ણય લેશે તો જૂન મહિનામાં અમેરિકા અને ભારત થયેલા સંરક્ષણ કરાર પછીની આ સૌથી મહત્ત્વની ઘટના હશે.
ભારતીય નેવીએ ફેબ્રુઆરીમાં અનેક અભિયાનોનું સંચાલન કરવામાં સમર્થ માનવરહિત ૨૨ ગાર્ડિયન ડ્રોન ખરીદવા સંરક્ષણ મંત્રાલયને જણાવ્યું હતું. ભારતની વિનંતી પર અત્યાર સુધી કોઇ અંતિમ નિર્ણય લીધો નથી, પણ એવું માનવામાં આવે છે કે ભારતના આગ્રહને પગલે આ અંગેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.