વોશિંગ્ટનઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ આ મહિનાના અંતે ભારત આવી શકે છે. અમેરિકન અખબાર ‘પોલિટિકો’એ લખ્યું કે વેન્સ તેમના ભારતવંશી પત્ની ઉષાની સાથે આ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં જણાવાયું હતું કે વેન્સ ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વિદેશયાત્રા પર ગત મહિને ફ્રાન્સ અને જર્મની ગયા હતા. ભારતનો પ્રવાસ ઉપરાષ્ટ્રપતિ તરીકે બીજો વિદેશ પ્રવાસ હોય શકે છે. વેન્સનાં પત્ની ઉષાની માતા લક્ષ્મી ચિલુકુરી અને પિતા કૃષ ચિલુકુરી 1970ના દાયકાના અંતમાં ભારતથી અમેરિકા ગયાં હતાં. અમેરિકાની સેકન્ડ લેડી (ઉપરાષ્ટ્રપતિના પત્ની) તરીકે ઉષા પહેલીવાર પોતાના પૈતૃક દેશ (ભારત)નો પ્રવાસ કરશે. ઉષા અને વેન્સની મુલાકાત અમેરિકાની યેલ લો સ્કૂલમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. ઉષા વ્યવસાયે એટર્ની છે. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.