વોશિંગ્ટનઃ યુએસ એર ફોર્સને પહેલી ઇલેક્ટ્રિક એર ટેક્સી મળી છે. એર ફોર્સે સોમવારે જણાવ્યું હતું કે તેને પહેલું ઇલેક્ટ્રિક પેસેન્જર એરક્રાફ્ટ મળ્યું છે, જે સીધું જ ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે છે.
આ એર ટેક્સી એક પાઇલટ અને ચાર મુસાફરને લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને તે 200 માઇલ પ્રતિકલાકની ઝડપે 100 માઇલ સુધીનું અંતર કાપી શકે છે. 131 મિલિયન ડોલરના ખર્ચે તૈયાર થયેલી આ ઇલેક્ટ્રિક એર ટેક્સી - વાયુસેના સાથે થયેલા કરારના ભાગરૂપે જોબી એવિએશન નામના એર ટેક્સી સ્ટાર્ટ-અપ દ્વારા તૈયાર કરાઇ છે. આ એર ટેક્સી એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર યુએસ એર ફોર્સને સોંપવામાં આવી હતી.
કેલિફોર્નિયામાં આવેલા આ એરબેઝ પર એર ટેક્સીની પહેલી સુપરસોનિક ફ્લાઇટ સંચાલિત થઈ હતી. એર ટેક્સીઓ સામાન્ય રીતે બેટરી દ્વારા સંચાલિત થાય છે અને તેને તે રીતે ડિઝાઇન કરાયેલી હોય છે કે તેને હેલિકોપ્ટરની જેમ લિફ્ટ કે લેન્ડ કરી શકાય છે. જોકે તેમાં વિમાનની જેમ ઊડી શકાય તે માટે પાંખો પણ આપેલી હોય છે.
વળી, આ ઇલેક્ટ્રિક એરક્રાફટ હેલિકોપ્ટર્સ અને વિમાનોની તુલનામાં ઘણો ઓછો અવાજ કે ઘોંઘાટ કરે છે.