યુએસ પર મંડરાતો ‘જોનાસ’નો ખતરોઃ છ રાજ્યોમાં બર્ફીલા તોફાનની આગાહી

Saturday 23rd January 2016 06:48 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના છ રાજ્યો પર બર્ફીલા તોફાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ સદીનું સૌથી વિનાશક બરફનું તોફાન 'જોનાસ' વોશિંગ્ટન, નોર્થ કેરોલિના, વર્જિનિયા, મેરિલેન્ડ, ટેનેસી અને પેન્સિલવેનિયા પર ત્રાટકશે તેવી ચેતવણી નેશનલ વેધર સર્વિસે ઉચ્ચારી છે. પૂર્વીય કાંઠાના સમુદ્રમાં થઈ રહેલી હિલચાલને પગલે રાજધાની વોશિંગ્ટનમાં ૨૯ ઈંચ બરફ વર્ષા થઈ શકે એવી આગાહી પછી એક સાથે ૫૦૦૦ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તો માર્ગ અને રેલવે વ્યવહાર પણ આ રાજ્યોમાં બંધ કરી દેવાની ફરજ પડી છે. સલામતીના કારણોસર વોશિંગ્ટનની તમામ સ્કૂલ-કોલેજો બંધ જાહેર કરાઈ છે. બર્ફીલા તોફાનથી છ રાજ્યોના આશરે આઠ કરોડથી વધુ લોકોને અસર થવા શક્યતા છે. 

બર્ફીલા તોફાનનો ખતરો ઘણો મોટો છે અને બરાક ઓબામા વહીવટી તંત્ર કોઇ ચાન્સ લેવા માગતું નથી. જોનાસ નામના આ તોફાનને પગલે રાજધાની વોશિંગ્ટન અને અન્ય પાંચ રાજ્યો નોર્થ કેરોલિના, વર્જિનિયા, મેરીલેન્ડ, ટેનેસી અને પેન્સિલવેનિયામાં ઇમર્જન્સી જાહેર થતાં લોકોને ઘરમાં પૂરાઇ રહેવું પડ્યું છે.
અમેરિકન વેધર સ્ટેશને કરેલી આગાહી પ્રમાણે, આ બર્ફીલા તોફાનથી આઠ કરોડથી પણ વધારે લોકો પ્રભાવિત થઈ શકે છે. વોશિંગ્ટન સહિત ફિલાડેલ્ફિયા અને ન્યૂ યોર્કમાં પણ અનુક્રમે આઠથી ૧૮ ઈંચ બરફ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઈ.સ. ૧૯૨૨માં ૨૮ ઈંચ બરફ વર્ષા થઈ હતી. જોકે, આ વખતનું તોફાન એ રેકોર્ડ તોડી શકે છે. આ આગાહી પછી અનેક રાજ્યોના લોકોએ સ્ટોર્સમાં જઈને જીવનજરૂરી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી કરી લીધી હતી. આ દરમિયાન સ્ટોર્સમાં ગયેલા અનેક લોકોને ખાલી હાથે પાછા ફરવું પડયું હોય એવા કિસ્સા પણ જોવા મળ્યા હતા.
વેધર એનેલિસ્ટ પોલ કોસિને કહ્યું હતું કે, આ બરફનું વાવાઝોડું જબરદસ્ત નુકસાન કરવાની ક્ષમતા ધરાવે છે, જેમાં પાંચ કરોડથી પણ વધુ લોકોને સીધી અસર થઈ શકે છે. પૂર્વીય અમેરિકામાં આશરે સાડા આઠ કરોડ લોકો વસે છે, જે બધાને આ ભયંકર હિમપ્રપાતની ઓછી-વત્તી અસર થશે. આ દરમિયાન તમામને બરફના પૂર, બરફના માર અને વીજળીથી સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવે છે.
જો હિમપ્રપાત થશે તો રવિવાર સુધી ચાલુ રહે એવી પૂરેપૂરી શક્યતા હોવાનું પણ નિષ્ણાતોએ જણાવતા કહ્યું હતું કે, આ તોફાનમાં એક બિલિયન ડોલરનું નુકસાન થશે. આ તોફાનની ક્ષમતા એક કલાકમાં ત્રણ ઈંચ બરફવર્ષા કરવાની હશે, જે સતત ૨૪ કલાક સુધી ચાલુ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter