વોશિંગ્ટન: ટ્રમ્પ અમેરિકન પ્રમુખ બનવા યોગ્ય નથી અને સ્વાભાવિક રીતે જ અસક્ષમ છે તેમ અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી કિલન્ટને જણાવ્યું છે. ઉત્તરી કેરોલિનાના શેરલોટમાં યોજાયેલી પ્રચાર રેલીમાં અમેરિકન પ્રમુખ બરાક ઓબામા પણ હિલેરી સાથે પ્રથમ વખત સ્ટેજ પર જોવા મળ્યા હતાં.
હિલેરીએ રેલીમાં હાજર લોકોને પ્રશ્ર કર્યો હતો કે પ્રમુખ હોવાનો અર્થ શું છે? તેમણે જણાવ્યું હતું કે, યુએસમાં અમે અમારા હિતોથી કરતા સૌના હિતોનું ધ્યાન રાખીએ છીએ. અમે એક સાથે ઉભા રહીએ છીએ કારણકે અમે જાણીએ છીએ કે અમે એક સાથે વધુ મજબૂત છીએ. બરાક ઓબામા આવા જ પ્રમુખ છે. તેમણે આપણા દેશના હિત માટે કઠોર અને અલોકપ્રિય નિર્ણયો પણ લીધા છે.
હિલેરીએ જણાવ્યું હતું કે, હું ઓબામાની સાથે સિચ્યુએશન રૂમમાં બેસી ચૂકી છું અને મેં તેમને મુશ્કેલ નિર્ણયો લેતાં જોયા છે. તેઓ દઢ અને સૈદ્વાંતિક નેતૃત્ત્વની સાથે કાર્ય કરે છે. તેઓ રાજનીતિજ્ઞ છે અને તે ફક્ત આપણા દેશનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે.
ઓબામાની નીતિને કારણે જ કલાયમેન્ટ ચેન્જ અંગે ઐતિહાસિક વૈશ્વિક સમજૂતી શક્ય બની, ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવામાં સફળતા મળી અને ક્યૂબા સાથે ફરીથી સારા સંબધો વિકસાવવામાં આવ્યા અને પરમાણુ હથિયારોના પ્રસારને રોકવા માટે વિશ્વના દેશોને એક કરવામાં સફળતા મળી.