નવીદિલ્હી: અમેરિકા અને ભારત વચ્ચે સિંગલ શોટ એસોલ્ટ રાઇફલ ખરીદવાનો સોદો આખરે રદ થયો છે. ભારતે આ સોદોના બીજા કન્સાઇમેન્ટને રદ કરી દીધું છે. બીજા તબક્કામાં ભારતીય લશ્કરને લગભગ 72 હજાર સિંગલ શોટ એસોલ્ટ રાઇફલ મળવાની હતી, પરંતુ પ્રથમ તબક્કામાં અપાયેલી સિંગલ શોટ રાઈફલમાં જોવા મળેલી મુશ્કેલીઓના પગલે ભારતે બીજું કન્સાઈમેન્ટ રદ કરી નાંખ્યું છે. ચીન સાથે ચાલતા એલએસી વિવાદના પગલે સપ્ટેમ્બર 2020માં સંરક્ષણ મંત્રાલયે રૂ. 780 કરોડના આ સોદાને મંજૂરી આપી હતી.
આ સોદા હેઠળ અમેરિકન કંપની પાસેથી 2019માં 72,400 રાઇફલ ખરીદાઇ હતી. પહેલા કન્સાઈમેન્ટમાં મળેલી રાઈફલનો ઉપયોગ ચીન સાથે જોડાયેલી એલએસી, સી અને કાશ્મીર ખીણમાં આતંકવાદવિરોધી અભિયાનમાં લશ્કર ઉપયોગ કરી રહ્યું છે. જોકે આ દરમિયાન રાઇફલના કામકાજમાં કેટલીક મુશ્કેલી જોવા મળી છે.
આ અમેરિકન રાઇફલ્સમાં સ્વદેશી દારુગોળો ઉપયોગમાં લેવામાં આવતો હતો. તેના લીધે ઘણી વખત રાઇફલ જામ થવાના રિપોર્ટ આવતા હતા. આ ઉપરાંત દેશી બુલેટ્સનો ઉપોયગ કરવાના લીધે રાઇફલમાં તેજ ઝાટકો પણ લાગતો હતો. આવી બધી સમસ્યાઓના લીધે લશ્કરે સિંગલ શોટ રાઇફલના બીજા કન્સાઈમેન્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે.